મહારાષ્ટ્રની સ્થિતિનો તાગ લેવા રાહુલ ગાંધી નેતાઓને મળશે

મુંબઈ, તા. 25 : લોકસભાની ચૂંટણીમાં પછડાટ અનુભવ્યા પછી કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાજ્યના કૉંગ્રેસના આગેવાનોની મિટિંગ બોલાવી છે, જેમાં આગળ ઉપર નિર્ધારિત વિધાનસભાની ચૂંટણીમાં કેવી સ્થિતિ રહેશે તેની સમીક્ષા કરાશે. 
એઆઈસીસીના જનરલ સેક્રેટરી મલ્લિકાર્જુન ખર્ગે, રાજ્ય કૉંગ્રેસના પ્રમુખ અશોક ચવ્હાણ, પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, વિરોધપક્ષના નેતા વિજય વાદેનીયાર અને કૉંગ્રેસના વિધાનપક્ષના નેતા બાળાસાહેબ થોરાત વગેરે 27 જૂનના દિલ્હીમાં મળનારી મિટિંગમાં ઉપસ્થિત રહેશે.
લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે માત્ર એક બેઠક તો એનસીપીએ ચાર બેઠક જીતી હતી. તો ભાજપ-શિવસેનાની યુતિએ 41 બેઠકો તથા સ્વતંત્ર ઉમેદવારોએ બે બેઠક જીતી હતી. વિધાનસભાની ચૂંટણી અૉક્ટોબરમાં થવાની છે. એક સિનિયર કૉંગ્રેસી નેતાએ કહ્યું હતું કે કૉંગ્રેસ અને એનસીપી માટે ભાજપ-સેના સામે આ ચૂંટણી પડકારરૂપ બની રહેશે. આમ તો અમે એનસીપી સાથે હાથ મિલાવ્યા છે, પણ ચૂંટણી લડવા બેઠકોની વહેંચણી કરવાની ફૉર્મ્યુલા હજી ઘડવાની બાકી છે, પણ અમે બંને પક્ષો સમાધાનપૂર્વક તેનો  નિવેડો આણશું એવો વિશ્વાસ છે. ભાજપ અને શિવસેના પ્રત્યેકે 135 બેઠકો પર લડવાનો નિર્ણય કર્યો છે અને બાકીની બેઠકો સાથી પક્ષોને ફાળવશે.
કૉંગ્રેસ અને એનસીપીએ પ્રકાશ આંબેડકરના વંચિત બહુજન આઘાડી પક્ષ સાથે `પેકટ' કરવા અંગે હજી નિર્ણય લીધો નહીં હોવાનું જાણવા મળે છે.

Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer