ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી
વાગડમાં વાવણી લાયક વરસાદથી આનંદ : ભુજમાં ઝાપટું
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.25 : રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળનું લો પ્રેશર વરસાદી માહોલ લઇને રાજ્ય તરફ આવી રહ્યું છે તેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જો કે, સારબકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શક્યતાઓ છે. આ સાથે અમદાવાદમાં પણ બે દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 
ઉલ્લેખનીય છે કે, રવિવારે મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ 26 થી 28 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે. 26 જૂનથી અમદાવાદમાં પવનની ગતિ વધશે, જેથી વાતાવરણમાં ઠંડક વધતા ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  અમદાવાદના બોપલ-ઘુમા, સરખેજ, પ્રહલાદનગર, વાસણા તેમ જ પૂર્વ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડયો હતો. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લી, દાહોદ, સુરત, છોટાઉદેપુર તેમ જ ડાંગમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
 ભુજના અમારા પ્રતિનિધિ જણાવે છે કે કારમા દુષ્કાળનો સામનો કરી રહેલા કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. વાગડ વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો અને ત્રણ કલાકમાં જોતજોતામાં 66 મિલીમીટર એટલે કે અઢી ઇંચ પાણી વરસતા ખેડૂતો ખુશખુશાલ બની ગયા છે. વાગડમાં નર્મદા નહેરની હાજરી છે અને પહેલા જ રાઉન્ડમાં સારો વરસાદ થતાં હવે વાવણી શરૂ થવાનો માહોલ રચાયો છે. ભુજમાં ગઇરાત્રે લગભગ 11:15 વાગ્યે વેગીલો વાયરો ફૂંકાયો અને શહેરના કેટલાક ભાગોમાં ઝાપટું પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. જોકે, શહેરના ઘણા વિસ્તાર કોરા ધાકોર રહ્યા હતા. આમ જેઠ મહિનામાં ભાદરવાના ભૂસાકા જેવી સ્થિતિ  સર્જાઈ હતી.  કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉકળાટ અને ગરમીનો માહોલ છે. વરસાદ પડે એવી સંભાવનાથી લોકોમાં આશા જાગી છે કે બે ત્રણ વર્ષના કારમા દુકાળ પછી આ વખતે મેઘરાજાની મહેર વરસશે. ગઈ રાત્રે પશુ પાલન માટે વિખ્યાત બન્ની વિસ્તારમાં પણ ઝાપટાં પડ્યાં છે. 

Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer