સુરતની જાણીતી હીરા કંપનીનું રૂા. 3000 કરોડનું કન્સાઈનમેન્ટ સીઝ

સુરતની જાણીતી હીરા કંપનીનું રૂા. 3000 કરોડનું કન્સાઈનમેન્ટ સીઝ
કિસ્સો ડાયમંડ ઓવર વેલ્યુએશનનો
સુરત, તા. 25 : કરોડો રૂપિયાનું ડાયમંડ ઓવર વેલ્યુએશન કરવાનું કૌભાંડ મુંબઈ કસ્ટમ્સે પકડી પાડતાં હીરાબજારમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જે કંપની આ કૌભાંડમાં સંડોવાયેલી છે તે કતારગામની છે અને સુરતના બુર્સ સાથે સંકળાયેલી છે. ડાયમંડ ઓવર વેલ્યુએશન કરીને પોતાની વિદેશ કંપનીથી અહીં ઈમ્પોર્ટ કરવા સંદર્ભમાં કસ્ટમ્સની ટુકડીએ કંપનીના 7.50 યુએસ મિલિયન ડૉલરના રફ ડાયમંડ બે કન્સાઈનમેન્ટ ડિટેઈન કર્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી માહિતી મુજબ ડાયમંડના વેલ્યુએશનને લઈને સ્પષ્ટતાં નહીં કરાતા થોડા દિવસો અગાઉ સ્પેશિયલ કાર્ગો કમિશનરેટની ટીમે મુંબઈ આવી રહેલા કરોડોના હીરા સીઝ કરી મેમો નંબર 03/2019/ એસઆઈઆઈબી (એપીએસસી) અંડર સેકશન 110 કસ્ટમ ઍક્ટ 1962 મુજબ કાર્યવાહી શરૂ કરી છે.
મુંબઈ કસ્ટમમાંથી મળતી માહિતી મુજબ દેશ-વિદેશમાં જેની હીરા કારોબારની 12થી વધુ અૉફિસો છે, તેવા હીરા ઉદ્યોગકારને 25 પાર્સલો સાથે અટકાવી પૂછપરછ કરાઈ છે. કહેવાય છે કે આયાત કરેલા એક પાર્સલમાં પકડાયેલા હીરાની સરખામણીએ કાગળ પર મૂલ્ય વધુ દર્શાવાયું હતું.
આ સંદર્ભમાં વધુમાં એવું જાણવા મળે છે કે ત્રણ હજાર કરોડના રફ ડાયમંડ ઈમ્પોર્ટ કરી ઓવર વેલ્યુએશન કૌભાંડ કરનાર કે. ડી.ના ટૂંકા નામથી જાણીતી ડાયમંડ કંપનીના માલિકોની પૂછપરછ થતાં તેઓ કન્સાઈનમેન્ટ મુંબઈમાં મગાવી અન્ય કંપનીઓને રફ વેચતા હોવાનું કબૂલ્યું હોવાનું કહેવાય છે, જેના આધારે મુંબઈની ઍરપોર્ટ સ્પેશિયલ કાર્ગો કમિશનર ઍક્ટની ટીમ દ્વારા મુંબઈ અને સુરતની 12 કંપનીઓને નોટિસ પાઠવી છે.
આ કૌભાંડને પગલે જે હાલ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા રફ ડાયમંડના કલર, સાઈઝ, કૅરેટ સહિતની વિગતોની માગણી થઈ રહી છે ત્યારે હીરાના ઉદ્યોગકારો દ્વારા આ નોટિફિકેશનને રદ કરવા માટે દિલ્હી દોડધામ શરૂ કરી છે, પણ તંત્રએ આ માગણીનો સ્વીકાર કર્યો નથી.
 

Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer