ક્યારેય નહોતું વિચાર્યું કે હું અર્જુનનું પાત્ર ભજવીશ : સોનુ સૂદ

ક્યારેય નહોતું વિચાર્યું કે હું અર્જુનનું પાત્ર ભજવીશ : સોનુ સૂદ
ભારતીય સંસ્કૃતિના સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય `મહાભારત'ના પ્રકરણ કે જેમાં `કુરુક્ષેત્ર'ના યુદ્ધનો ઉલ્લેખ કરાયો છે. તેના પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મમાં અર્જુનના પાત્ર માટે અભિનેતા સોનુ સુદની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ વિશે વાત કરતા સોનુએ જણાવ્યું કે આ કન્નડ ભાષાની અત્યાર સુધીની સૌથી ખર્ચાળ ફિલ્મોમાંની એક ફિલ્મ છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મને પૌરાણિક ફિલ્મમાં કામ કરવાની તક મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદનાં રામોજી ફિલ્મસિટીમાં થઈ રહ્યું છે.
ફિલ્મનું શૂટિંગ થ્રીડીમાં થઈ રહ્યું છે. રામોજી ફિલ્મસિટી સ્ટુડિયો વિશાળ રાજમહેલ અને યુદ્ધ મેદાનમાં ફેરવાયો છે અને તેમાં હાથી અને ઘોડાઓનો પણ સમાવેશ થાય છે. હૈદરાબાદથી પૂરતાં પ્રમાણમાં ઘોડા ઉપલબ્ધ ન હોવાથી ફિલ્મ માટે બેંગ્લુરુ, મુંબઈ અને ચેન્નાઈથી ઘોડા મગાવવામાં આવ્યા છે. `કુરુક્ષેત્ર'ના યુદ્ધને દર્શાવવા માટે આશરે 600 લોકો ફિલ્મમાં છે અને ફિલ્મ સ્ટુડિયો હાલ યુદ્ધ મેદાન લાગી રહ્યું છે. પોતાના પાત્ર વિશે વાત કરતા સુદે જણાવ્યું કે એક યોદ્ધા તરીકે તૈયાર થવામાં કપડાં અને આભૂષણ પહેરવામાં મને દોઢ કલાક જેટલો સમય લાગતો હતો. તે યુગમાં લોકો શરીર પર આટલું વજન કઈ રીતે ઊચકી શકતા તે વિચારીને આશ્ચર્ય થાય છે.
તેણે ઉમેર્યું હતું કે યુદ્ધનાં દૃશ્યમાં 300 જેટલા લોકો સામે તલવાર ચલાવતાં હતાં અને આ દૃશ્ય મારા માટે અવિસ્મરણીય હતું. ફિલ્મમાં યોદ્ધાના પહેરવેશમાં રથ પર બેસીને તલવાર-ધનુષ્યથી યુદ્ધ લડવું મારા માટે અઘરું હતું. ઉલ્લેખનીય છે કે ફિલ્મ કન્નડ ઉપરાંત હિન્દી, તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે અને આ તમામ ફિલ્મોદ્યોગના કલાકારો એક સાથે તેમાં જોવા મળશે. નાગન્ના દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મનું શૂટિંગ 200 દિવસ સુધી ચાલ્યું હતું અને હાલમાં તે પોસ્ટ-પ્રોડક્શન હેઠળ છે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer