જાડેજાએ વર્લ્ડ કપમાં ફિલ્ડિંગમાં સૌથી વધુ રન બચાવ્યા

જાડેજાએ વર્લ્ડ કપમાં ફિલ્ડિંગમાં સૌથી વધુ રન બચાવ્યા
નવી દિલ્હી, તા.11: વિશ્વ કપના પ્રારંભ સાથે સૌરાષ્ટ્રના નૈસર્ગિક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ટીમ ઇન્ડિયામાં સતત અવગણના થઇ રહી હોય તેવું લાગી રહ્યુ હતું. હેડ કોચ રવિ શાત્રી અને કેપ્ટન વિરાટ કોહલીને શું જડૂની પ્રતિભા પર વિશ્વાસ નથી એવો સવાલ ક્રિકેટ જાણકારો કરી રહ્યા હતા. રવિન્દ્રે વર્લ્ડ કપ પહેલાના વોર્મ અપ મેચમાં ન્યુઝીલેન્ડ સામે અર્ધસદી પણ કરી હતી. આમ છતાં તેને સતત આઠ લીગ મેચમાં ભારતીય ઇલેવનમાં તક ન મળી. આખરી લીગ મેચમાં શ્રીલંકા સામે તક મળી અને જાડેજાએ તેનો ભરપૂર લાભ લઇને ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. આ પછી ન્યુઝીલેન્ડ સામેના સેમિ ફાઈનલમાં રવિન્દ્ર તેની શાનદાર બોલિંગ, ચુસ્ત ફિલ્ડિંગ અને લડાયક બેટિંગથી છવાઇ ગયો. તેણે 59 દડામાં 77 રનની આતશી ઇનિંગ રમીને ભારતની જીતની તક બનાવી હતી પણ આખરી બે ઓવરમાં તે અને ધોની આઉટ થતાં ભારતના હાથમાથીં જીત સરકી ગઇ હતી. જાડેજાએ તેની વન ડે કેરિયરમાં પ વર્ષ પછી અર્ધસદી કરી હતી. છેલ્લે તેણે ઇંગ્લેન્ડ સામે જ 2014માં લીડસમાં અર્ધસદી કરી હતી.
અર્ધસદીથી જાડેજાએ એક રેકોર્ડ કર્યોં છે. તે વર્લ્ડ કપમાં આઠમાં નંબર પર આવીને ફીફટી કરનારો પહેલો ભારતીય બેટધર બન્યો છે. આ પહેલા આ નંબર પર સૌથી વધુ રન નયન મોંગિયાના નામે 28 હતા. જે તેણે 1999ના વિશ્વ કપમાં ઝિમ્બાબ્વે વિરૂધ્ધ કર્યાં હતા. વિશ્વ કપમાં ઓવર ઓલ આઠમા નંબરના બેટધરનો સૌથી મોટો સ્કોર 92 છે. જે વર્તમાન વિશ્વ કપમાં જ ઓસ્ટ્રેલિયાના નાથન કુલ્ટર નાઇલે વિન્ડિઝ સામે કર્યાં હતા. રવિન્દ્ર જાડેજાએ ફિલ્ડિંગમાં પણ કમાલ કરીને વિશ્વ કપમાં અત્યાર સુધી સૌથી વધુ 41 રન બચાવ્યા છે. આ લિસ્ટમાં બીજા નંબર પર કિવિઝનો માર્ટિન ગુપ્ટિલ છે. તેણે 34 રન બચાવ્યા છે. મેકસવેલે 9 મેચમાં 32 રન બચાવ્યા છે. જાડેજાએ બે જ મેચ રમ્યા છે. જો કે મોટા ભાગના મેચમાં તેણે 12મા ખેલાડી તરીકે ફિલ્ડિંગ વારંવાર કરી છે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer