ઇંગ્લેન્ડ વટભેર ફાઇનલમાં

ઇંગ્લેન્ડ વટભેર ફાઇનલમાં
પાંચ વખતના વિજેતા કાંગારુઓ પર ધાક જમાવતી જીત

બર્મિંગહામ, તા. 11 : વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ ગણાવાયેલી યજમાન ઇંગ્લેન્ડ ટીમે આજે અહીં રમાયેલી બીજી સેમિફાઇનલમાં તમામ મોરચે પ્રોફેશનલ પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા પર 107 દડા બાકી હતા ત્યારે આઠ વિકેટે ધાક જમાવતી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે 14મીએ અંગ્રેજો અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વવિજેતા બનવાનો જંગ ખેલાશે. ક્રિસ વોક્સ (20 રનમાં ત્રણ વિ.) એન્ડ કંપનીએ સ્ટીવન સ્મિથ (119 દડામાં 85)ના પ્રતિકાર છતાં ઓસીને 49 ઓવરમાં 223 રન સુધી સીમિત રાખ્યા બાદ જેસન રોય (65 દડામાં 85)ના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડના બેટધરોએ પ્રભુત્વ સાથેની બેટિંગ કરતાં 31.5 ઓવરમાં જ લક્ષ્ય પાર પાડયું હતું.
હવે એ નિશ્ચિત બન્યું છે કે આ વખતે ક્રિકેટજગતને નવો ચેમ્પિયન મળશે. ઇંગ્લેન્ડ ચોથીવાર ફાઇનલમાં પહોંચ્યું છે.
રોય અને બેયરસ્ટો (34)એ 124 રનની ધમાકેદાર શરૂઆત કરી ઓસી બોલરોને હતાશ કરી દીધા હતા. રોય નવ ચોગ્ગા અને પાંચ સિક્સર સાથે 85 રને કમિન્સનો શિકાર બન્યો હતો. 147ના સ્કોરે રોયના રૂપમાં બીજી વિકેટ પડયા બાદ રૂટ (45 દડામાં 49 અણનમ) અને મોર્ગને (38 દડામાં 41 અણનમ) ત્રીજી વિકેટ માટે 75 રનની વણતૂટી ભાગીદારી નોંધાવી હતી. સ્ટાર્કની 8.5 ઓવરમાં 70 રન ઝુડાયા હતા.
અગાઉ, વિશ્વ કપની બીજી સેમિફાઇનલમાં એજબેસ્ટનની સપાટ વિકેટ પર વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ ઇંગ્લેન્ડની શાનદાર બોલિંગ-ફિલ્ડિંગ સામે 223 રને ઓલઆઉટ થઇ હતી. ટોસ જીતીને પહેલો દાવ લેનાર ઓસ્ટ્રેલિયા તરફથી પૂર્વ સુકાની સ્ટીવન સ્મિથે સૌથી વધુ 8પ રન કર્યા હતા. તેણે ઘાયલ વિકેટકીપર-બેટસમેન એલેકસ કેરી (46) સાથે ત્રીજી વિકેટમાં 103 રનની લડાયક ભાગીદારી કરી હતી. આથી કાંગારુ ટીમ 49 ઓવરમાં ઓલઆઉટ થતાં પહેલાં 223 રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોકસ અને આદિલ રશીદે 3-3 વિકેટ લીધી હતી.
વિશ્વ કપની પાંચ વખતની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાની આજે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. 6 ઓવરમાં 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઇન ફોર્મ ઓપનિંગ જોડી સુકાની એરોન ફિંચ જાફ્રા આર્ચરના દડામાં આઉટ થઇને ઝીરોમાં પાછો ફર્યો હતો. ખતરનાક ડેવિડ વોર્નર 9 રને વોકસનો શિકાર બન્યો હતો. આ પછી વર્લ્ડ કપની પોતાની પહેલી મેચ રમી રહેલો પીટર હેન્સકોબ 4 રને વોકસના દડામાં બોલ્ડ થયો હતો. 14 રનમાં 3 વિકેટ પડયા બાદ અનુભવી સ્ટીવન સ્મિથ અને એલેકસ કેરીએ ઓસીની ઇનિંગ સ્થિર કરી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો દડો એલેકસ કેરીના જડબામાં વાગ્યો હતો. આથી તે લોહીલુહાણ થયો હતો. આમ છતાં તેણે પટ્ટી બાંધી બેટિંગ ચાલુ રાખી હતી. જો કે તે 70 દડામાં 4 ચોગ્ગાથી 46 રને રશીદના દડામાં બાઉન્ડ્રી લાઇન પર કેચ આઉટ થયો હતો. આથી તેના અને સ્મિથ વચ્ચેની 103 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. આ પછી સ્ટોનિસ ઝીરોમાં અને મેકસવેલ 22 રન કરી પાછા ફર્યા હતા. 
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer