અમેરિકાના વ્યાજકાપના ભયથી સોનું ફરી ઊંચકાયું

અમેરિકાના વ્યાજકાપના ભયથી સોનું ફરી ઊંચકાયું
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 11 : જુલાઇ મહિનામાં વ્યાજદર કાપ મૂકાશે તેવા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના સંકેતોથી સોનામાં તેજી હતી. ન્યૂયોર્કમાં એક સપ્તાહનો ઊંચો 1425 ડૉલરનો ભાવ જોવાયા પછી આ લખાય છે ત્યારે 1419 ડૉલર રનિંગ હતો. ગઇકાલે પોવેલની ટેસ્ટીમોની બેઠક શરૂ થઇ હતી. એ પછી સોનામાં તેજી આવી છે. તેમણે બહુ જલ્દીથી 25 બેસીસ પોઇન્ટનો વ્યાજદર કાપ મૂકવાના સંકેત આપ્યા છે.
તેમણે કોંગ્રેસને એમ કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે મંદીને કારણે અર્થતંત્રો નબળા પડી રહ્યા છે ત્યારે અમેરિકામાં પણ આવી સ્થિતિ સર્જાય એ પૂર્વે સચેત થઇ જવાની જરૂર છે. ચીન સાથે અમેરિકા વેપારયુદ્ધના મામલે લાંબા સમયથી ચાલી રહેલી તનાવભરી સ્થિતિથી પણ આર્થિક વાતાવરણ બગડવાનો ભય ફેડને જણાયો છે. 
ફેડની પાછલી બેઠકની મિનિટસમાં પણ જુલાઇમાં વ્યાજકાપ મૂકવાનું સૂચન મહત્તમ સભ્યોએ આપ્યું હતું. જોકે ટેસ્ટીમોની પછી ડૉલરનાં મૂલ્યમાં નરમાઇ આવી હતી. બોન્ડના યીલ્ડમાં પણ ઘટાડો આવ્યો હતો. ચાર્ટ પ્રમાણે સોનું છ વર્ષની ટોચ 1438 વટાવે તો 1500 સુધી વધઘટે તેજી આવવાની શક્યતા છે. 1380 ડૉલર મહત્ત્વની ટેકારૂપ સપાટી છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા.200ની તેજી સાથે રૂા. 34,400 અને મુંબઈમાં રૂા. 389 ઊંચકાઇને રૂા. 34,716 હતો. ન્યૂયોર્કમાં ચાંદી 15.24 ડૉલર રનિંગ હતી. સ્થાનિક બજારમાં એક કિલોનો ભાવ રૂા. 200 વધીને રૂા. 38,100 અને મુંબઈમાં રૂા. 320ની તેજીમાં રૂા. 38,000 હતો.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer