ભારતનો સૌથી મોટો એપરલ બીટુબી ટ્રેડ શો

ભારતનો સૌથી મોટો એપરલ બીટુબી ટ્રેડ શો
15થી 18 જુલાઈ દરમિયાન મુંબઈ-ગોરેગામમાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : ધી ક્લાધિંગ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (સીએમએઆઈ)ના ઉપક્રમે 69મો નેશનલ ગાર્મેન્ટ ફેર તા. 15થી તા. 18 જુલાઈ 2019ના મુંબઈ-ગોરેગામ ખાતેના નેસ્કો સંકુલના બૉમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં યોજાશે. આ ભારતનો સૌથી મોટો એપરલ ટ્રેડ શો હશે. આ ફેર `ઉડાન' પ્રસ્તુત કરી રહેલ છે જે અગ્રણી બીટુબી ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે.
ધી ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયાના પ્રમુખ, ઈન્ડિયા ગાર્મેન્ટ ફેર ઍસોસિયેશનના ચૅરમૅન અને ઈન્ટરનેશનલ એપરલ ફેડરેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે 69મા નેશનલ ગાર્મેન્ટ ફેરના 4 દિવસ દરમિયાન રૂા. 750થી 800 કરોડનો ધંધો થવાની શક્યતા છે.
આ બીટુબી ફેર બૉમ્બે એક્ઝિબિશન સેન્ટરના તમામ હોલને આવરી લેતાં 7 લાખ ચો.ફીટ જગ્યામાં યોજાશે. અત્રે 882 પ્રદર્શનકારો 1062 બ્રાન્ડસ પ્રદર્શિત કરશે. અત્રે મેન્સવેર, વીમેન્સ વેર, કીડ્સ વેર અને અસેસરીઝની અગ્રણી બ્રાન્ડો પ્રદર્શિત થશે. સીએમએઆઈની `શો ડિરેક્ટરી' જે ફેર ગાઈડ તરીકે પ્રખ્યાત છે તે પ્રકાશિત થશે. દેશભરમાંથી 50,000થી વધુ રીટેલરો અને ટ્રેડ વિઝિટરો આ ફેરની મુલાકાત લેશે એવી ધારણા છે.
69મો નેશનલ ગાર્મેન્ટ ફેરનો સમય સવારના 10થી રાતના 9 વાગ્યા સુધીનો રહેશે. બિઝનેસ નેટવર્કિંગ સેસન જે પ્રદર્શનકારો, એજન્ટો, ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે યોજાય છે તે આ વર્ષે પણ ચાલુ રહેશે.
સીએમએઆઈના 20,000થી વધુ સભ્યો છે જેમાં ગાર્મેન્ટ ઉત્પાદકો, નિકાસકારો, રીટેલરો અને એન્સીસીઅરી ઉદ્યોગનો સમાવેશ થાય છે. મુંબઈ સ્થિત સીએમએઆઈની નવી દિલ્હી, બેંગલોર, પૂનામાં શાખાઓ છે.
મુંબઈનું નવું કાર્યાલય મુંબઈ-એલ્ફિન્સ્ટન ખાતેના એ, 901-નમન મીડટાઉન ટાવરમાં ખસેડવામાં આવેલ છે.
સીએમએઆઈએ છેલ્લાં ત્રણ વર્ષોમાં લગભગ 43,000 કારીગરોને તાલીમ આપી છે. હવે ફરી કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રાલયે સમર્થ સ્કીમ હેઠળ સીએમએઆઈને આગામી ત્રણ વર્ષોમાં 30,000 બીજા કારીગરોને તાલીમ આપવાનું કામ સોંપ્યું છે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer