વૈશ્વિક પરિબળો ચિંતાકારક બનતાં સોના - ચાંદીમાં વિક્રમી તેજી

વૈશ્વિક પરિબળો ચિંતાકારક બનતાં સોના - ચાંદીમાં વિક્રમી તેજી
ગોલ્ડ વાયદા 24 કેરેટ માટે પ્રતિ  10 ગ્રામ 0.9 ટકા વધી રૂા. 35,145

મુંબઈ, તા. 11: વૈશ્વિક બજારોને અનુસરીને ભારતમાં આજે સોના - ચાંદીમાં વિક્રમી તેજી જોવા મળી હતી. મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)માં અૉગસ્ટ માટે ગોલ્ડ વાયદા ડિલિવરી 24 કેરેટ માટે પ્રતિ 10 ગ્રામ 0.9 ટકા વધી રૂા.35,145 ભાવ બોલાયો હતો. 
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ધિરાણ દર ઘટાડવાના ફરીથી સંકેત મળવાથી સલામત રોકાણ તરીકે રોકાણકારો સોનાની ખરીદી તરફ વળ્યા હતા. સ્થાનિકમાં ચાંદી પણ સોનાને અનુસરીને પ્રતિ કિલો રૂા.38,400ના ભાવે બંધ આવી હતી. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ આજે સતત ત્રીજા દિવસે વધ્યા હતા. 
સિંગાપુરમાં સ્પોટ (હાજર) સોનાના ભાવ આજે 0.6 ટકા જેટલા વધીને છ વર્ષની ટૉચે 1427.23 ડૉલર પ્રતિ ઔંશ બોલાયા હતા. 
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંરક્ષણાત્મક વેપાર નીતિના કારણે અમરિકાના ચીન અને અન્ય દેશો સાથે વણસેલા વેપાર સંબંધોના કારણે અમેરિકાના અર્થતંત્ર ઉપર મંદીના વાદળો છવાયા હોવાનું યુએસ ફેડરલ ચીફ જેરોમ પોવેલે જણાવી આ માસના અંતે ધિરાણ દરમાં ઘટાડો કરવાનો સ્પષ્ટ સંકેત આપતાં આજે સોનાના ભાવમાં ઊછાળો આવ્યો હતો. 
ફેડ રિઝર્વની પાછલી બેઠકની મીટિંગની વિગતો મુજબ અમેરિકાનાં અર્થતંત્રને આર્થિક પેકેજની જરૂર પડશે એવા મત અનેક પોલિસી મેકર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હોવાથી સોનાને તેજી તરફ આગળ વધવા માટે નવું બળ મળ્યું હતું. 
પોવેલની ટિપ્પણી બાદ અમેરિકન ડૉલર ભારતીય રૂપિયા સામે 0.25 ટકા જેટલો નબળો પડયો હતો અને સોનામાં તેજી આવી હતી. વૈશ્વિક બજારોમાં ચાંદી પ્રતિ અંશ 0.3 ટકા વધીને 15.28 ડૉલરના સ્તરે આવી હતી. સમીક્ષકોના મતે ભૂ - રાજકીય અને વેપાર તણાવોના કારણે આ વર્ષે સોનામાં તેજી આવી છે અને તેની માગ પણ મધ્યસ્થ બૅન્કો દ્વારા સતત વધી રહી છે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer