બેદરકાર અધિકારીઓ સામે કેન્દ્રની આકરી કારવાઈ

312ને ફરજિયાત નિવૃત્ત કર્યાં
 
ગ્રુપ બીના 187 અને ગ્રુપ એના 125 અધિકારીઓ સામે આકરી કાર્યવાહી

નવી દિલ્હી, તા. 11: મોદી સરકારે કેન્દ્ર સરકારના 312 કર્મચારીઓને કામમાં બેદરકારી દાખવવા બદલ નોકરીમાંથી ફરજિયાત નિવૃત્ત કર્યા છે. જેમાં ઘણા સિનિયર અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જોઇન્ટ સેક્રેટરી રેન્કના અધિકારીઓને પણ દૂર કરવામાં આવ્યા છે. જે કર્મચારીઓ ઉપર કાર્યવાહી થઈ તેમાં ગ્રુપ બીના 187 અને ગ્રુપ એના 125 અધિકારી સામેલ છે. 
કહેવાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા અધિકારીઓ ઉપર કરવામાં આવેલી કાર્યવાહી સાર્વજનિક હિતને ધ્યાને લઈને સત્યનિષ્ઠાની કમી અને બેદરકારી દાખવવા બદલ કરવામાં આવી છે. જુલાઈ 2014થી મે 2019 સુધી થયેલી સમીક્ષામાં ગ્રુપ એના કુલ 36,000 અને ગ્રુપ બીના 82,000 કર્મચારીઓ સમાવવામાં આવ્યા હતા. જેમાંથી ગ્રુપ એના 125 અને ગ્રુપ બીના 187 અધિકારીઓની કાર્યશૈલી ઉપર સવાલ ઉઠયા હતા. સરકારે લોકસભામાં ફરજિયાત નિવૃત્તિ ઉપર જવાબ આપતા કહ્યું હતું કે, લાગુ અનુશાસનાત્મક નિયમ હેઠળ સરકાર પાસે ઉપલબ્ધ સાક્ષ્યના આધારે ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે. 
સરકારને પૂર્ણ અધિકાર છે કે સાર્વજનિક હિતને ધ્યાને લઈને સત્યનિષ્ઠાની કમી અને બેદરકારી રાખતા અધિકારીઓ ઉપર મૌલિક નિયમોની જોગવાઈ (એફઆર) 56(જે)(આઈ), કેન્દ્રીય સિવિલ સર્વિસના નિયમ 48, પેન્શન નિયમ 1972 અને સિવિલ સેવા નિયમ 16 (3) સંશોધિત હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ નિયમ સરકારની સેવાઓને સમયાંતરે સમીક્ષા અને સમય પહેલા નિવૃત્તિની નીતિ નિર્ધારિત કરે છે. આ અગાઉ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે 600થી વધુ કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરી હતી. જેમાં 200ને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા. જ્યારે 400થી વધુ કર્મચારીઓને દંડ કરવામાં આવ્યો હતો.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer