ગ્રીન કાર્ડ પરની મર્યાદા દૂર કરવાની નેમવાળું

વિધેયક અમેરિકી પ્રતિનિધિગૃહમાં પસાર
 
વોશિંગ્ટન, તા. 11:  ગ્રીન કાર્ડ્ઝ જારી કરવા પરની અમેરિકાની હાલની 7 ટકાની મર્યાદા ઉઠાવી લેવાની નેમ ધરાવતું વિધેયક અમેરિકી પ્રતિનિધિગૃહ (સંસદનું નીચલું ગૃહ)માં આજે પસાર કરવામાં આવ્યુ હતું. આ ગતિવિધિથી ઉચ્ચ કૌશલ્યવાળા હજારો ભારતીય આઈટી વ્યાવસાયિકોને લાભ થશે. ગ્રીન કાર્ડ વ્યક્તિને અમેરિકામાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવા છૂટ આપે છે. ફેરનેસ ઓફ હાઈ-સ્કિલ્ડ ઈમિગ્રાન્ટ્સ એકટ, 2019 નામક આ ખરડો 43પના ગૃહમાં 36પ-6પની બહુમતીથી પસાર થયો હતો. તે કાયદો બનતાં, યુએસમાં કાયમી ધોરણે કામ કરવા અને આવાસ-પરમિટ મેળવવા ભારત જેવા દેશોમાંથી આવતા પ્રતિભાશાળી વ્યાવસાયિકોએ, હાલ યાતનાદાયી રાહ જોવી પડે છે તેમાં ખાસો ઘટાડો થશે.
હાલની સિસ્ટમ મુજબ અમેરિકા દ્વારા ચોક્કસ વર્ષમાં જે તે દેશ દીઠ અપાતા ફેમિલી બેઈઝડ ઈમિગ્રાન્ટ વિઝાની રખાયેલી 7 ટકાની મર્યાદા બમણી કરીને પંદર ટકાની કરવામાં આવી છે. એવી જ રીતે એમ્પ્લોયમેન્ટ બેઈઝડ ઈમિગ્રાન્ટ વિઝા માટેની 7 ટકાની મર્યાદા ય નાબૂદ કરવામાં આવી છે.ખરડાની એક જોગવાઈ એવી છે કે કોઈપણ એક દેશમાંથી અનરીઝર્વડ વિઝાના 8પ ટકાથી વધુ ફાળવણી નહીં કરવામાં આવે.
પ્રમુખ ટ્રમ્પ ગુણવત્તા આધારિત કાનૂની ઈમિગ્રેશન અંગે ગંભીર હોય તો તેમણે આ વિધેયકને કાયદો બનાવવામાં મદદરૂપ થવું જોઈએ એમ મહિલા સાંસદ ઝો લોફગ્રેને જણાવ્યું હતું.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer