નવો મૉડલ રેન્ટ એક્ટ આવશે

ભાડૂતો અને લેન્ડલોર્ડનાં હિતોની સમતુલા જાળવવા મુસદ્દો ઘડાયો
 
મુંબઈ, દિલ્હીના લેન્ડલોર્ડ્સ-ભાડૂતોને લાભ નહીં થાય

નવી દિલ્હી, તા. 11 : મકાન અથવા ઘર ભાડે આપવા સંદર્ભે કેન્દ્ર સરકારે `મોડલ ટેનેન્સી લૉ' ઘડવાની દરખાસ્ત રજૂ કરી છે. જેથી મિલકત ભાડે આપવાની પ્રક્રિયાનું નિયમન કરી શકાય અને તે સાથે ભાડૂત અને મકાનમાલિક બંનેનાં હિતો વચ્ચે સમતુલા જળવાય. આ સૂચિત દરખાસ્તમાં એડવાન્સ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે બે મહિનાનું ભાડું મર્યાદિત કરવા અને મુદ્દત કરતાં વધુ સમય સુધી રહેતાં ભાડૂત ઉપર ભારે પેનલ્ટી લાદવાની જોગવાઈઓનો સમાવેશ થાય છે.
મૉડલ ટેનેન્સી એક્ટ, રાજ્યો અપનાવી શકશે જેમાં કહેવામાં આવ્યું છે કે મુદત કરતાં વધુ સમય સુધી રહેનાર ભાડૂતને બે મહિના સુધી બમણું ભાડું અને તે પછીના સમય માટે ચાર ગણું ભાડું ચૂકવવું પડશે.
કેન્દ્રના ગૃહનિર્માણ અને નગર વિકાસ મંત્રાલયે સૂચિત કાયદા માટે મુસદ્દો ઘડયો છે અને સંબંધિત પક્ષકારો તેમ જ જાહેર જનતાના અભિપ્રાય માટે રજૂ કરવામાં આવ્યો છે, જેને ત્યાર પછી પ્રધાનમંડળની મંજૂરી માટે મોકલવામાં આવશે.
જોકે સૂચિત કાયદાના મુસદ્દામાં એવી જોગવાઈ છે કે જે રાજ્યો આ કાયદાને સ્વીકારશે તેઓ પાછલી અસરથી તેનો અમલ નહીં કરી શકે. આ જોગવાઈના કારણે મુંબઈ અને દિલ્હીના હજારો લેન્ડલોર્ડ તેમના મકાનમાં સામાન્ય ભાડાં આપી રહેતા ભાડૂતો સામે કોઈ પગલાં ભરી નહીં શકે. તેમને તેમની ભાડાં વધારવા માટે અદાલતી લડત ચાલુ રાખવી પડશે.
આ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે અદાલતી કાર્યવાહીના ભયથી લાખો મિલકત ભાડે ન આપતાં, લોક કરીને રાખતાં મકાનમાલિકો માટે આ સૂચિત કાયદો રાહતરૂપ બની રહેશે અને તેઓ પોતાની મિલકત માર્કેટમાં ભાડે આપવા રજૂ કરી શકશે.
સૂચિત મુસદ્દામાં પાછલી મુદતથી અસર આપવાની જોગવાઈ નથી, આમ કરવાથી અદાલતી કાર્યવાહીમાં મિલકત સપડાવાનું જોખમ હતું એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer