બેસ્ટ'' બસસેવાનું વિસ્તરણ કરાશે

મુંબઈ, તા. 11: બેસ્ટ દ્વારા ટિકિટદરમાં કાપ મૂક્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં જબ્બર વધારો થયો છે તો બીજી તરફ બસસેવાનો વિસ્તાર કરવા બેસ્ટના ટ્રાન્સપોર્ટ વિભાગે હાલચાલ શરૂ કરી છે. મુંબઈ, થાણે, નવી મુંબઈના બંધ પડેલા રૂટો પર વહેલી તકે ફરી બસ સેવા શરૂ કરાશે.
મેટ્રોના અત્યારના રૂટની સાથે પણ ભવિષ્યમાં બેસ્ટ પૂરક સેવા શરૂ કરશે. બેસ્ટમાં તબક્કાવાર દાખલ થનારી બસોના આધારે આ સેવા વિસ્તાર કરવામાં આવશે.
બેસ્ટ ઉપક્રમમાં અૉગસ્ટથી વધનારા બસોના કાફલા માટે નિયોજન શરૂ કરી દેવાયું હોઈ બેસ્ટની અત્યારની બસોની સંખ્યા 3338 છે જે વધીને છ હજાર પર્યંત જશે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપનારી સહાયના આધારે બેસ્ટનું નવું ધોરણ ઘડવામાં આવી રહ્યું છે.
અૉગસ્ટમાં 100 નવી મિનિ એસી બસ આવશે તેના આધારે બેસ્ટ નવા જોમ અને જુસ્સાથી વિસ્તરણ કરશે. મેટ્રો રૂટ માટેની પૂરક સેવાર્થે મિનિ બસ ઉપયુક્ત ઠરશે એવો દાવો બેસ્ટ ઉપક્રમ દ્વારા કરાઈ રહ્યો છે.
બેસ્ટના ટિકિટના ચેકરોનો સાદ ચલો, પાંચ-પાંચ રૂપિયા !
બાંદરા (પ) રેલવે સ્ટેશન બહાર ગત બુધવારે `પાંચ-પાંચ રૂપિયા પાંચ-પાંચ રૂપિયા' નો અવાજ સંભળાતો હતો. આ અવાજ કોઈ ફેરિયાનો ન હતો, પરંતુ પાટીયું લઈને ઊભા રહેલા બેસ્ટના ટિકિટ ચૅકર્સનો હતો. બસ સેવા તરફ વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા દ્વારા બેસ્ટ ઉપક્રમને ફરીથી નફો રળતો કરવાનો તંત્રનો નિર્ધાર છે અને તે માટે જ ટિકિટ ચેકર્સ કમર કસી રહેલાં જોવા મળ્યાં હતાં. ભાડું ઘટાડવાના પ્રથમ દિવસે એટલે કે ગત મંગળવારે અનેક બસ સ્ટૉપ પર આ ટિકિટ ચેકર્સ મેગાફોન દ્વારા પાંચ રૂપિયાની ટિકિટની ઘોષણા કરતા હતાં.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer