વરસાદની આગાહી કરતું ડોપલર રડાર બંધ પડયું

મુંબઈ, તા.11 : બુધવારે વેધશાળાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી એ દિવસે જ મુંબઈની એક માત્ર ડોપલર રડાર કામ કરતી બંધ થઇ ગઇ હતી. રડારનો જે ભાગ કે પાર્ટ કામ કરતો બંધ થયો તેનું રિપેરિંગ તત્કાળ શરૂ કરાયું હતું, પરંતુ તે ફરીથી કામ કરતી થઇ છે કે કેમ તેની જાણકારી ગુરુવારે સાંજ સુધી મળી નથી.
દક્ષિણ મુંબઈના કોલાબામાં ભારતીય વેધશાળાની અૉબ્જર્વેટરી આવેલી છે તેની તદન નજીકમાં ડોપલર ઇફેક્ટ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વૅવ્સથી આબોહવાની જાણકારી આપતી આ રડાર મુકાયેલી છે. જેના આધારે વેધશાળા ડોપલર રડારની આસપાસના પ્રદેશમાં કેટલો વરસાદ કે ગરમી છે અને આગામી ચોવીસ કલાકમાં વધઘટ થશે તેની માહિતી મેળવે છે. ખાસ તો આગામી બેથી ચાર કલાકમાં વાતાવરણ કેવો પલટો મારી શકે તેનો પાકો અંદાજ આ ટેક્નિક ધરાવતી રડારથી મળી શકે છે, એટલે તેનું વિશેષ મહત્ત્વ છે.
વેધશાળાની અૉબ્જર્વેટરીમાં સેટેલાઇટ્સ ઇમેજિસ તેમ જ આબોહવા સંબંધી અન્ય ડેટાની સમીક્ષા થાય છે અને ડોપલર રડારના ડેટાને પણ ધ્યાનમાં લઇને રોજે રોજ વિવિધ આગાહીઓ કરવામાં આવે છે. લગભગ એક દાયકાથી કોલાબા વેધશાળા નજીક આ ડોપલર રડાર કાર્યરત છે.
જોકે, બુધવારે વહેલી પરોઢે ચાર વાગ્યે આ રડાર કામ કરતી બંધ થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રડારનો કેટલોક ભાગ બ્રોક ડાઉન (કામ કરતો બંધ) થઇ ગયો હતો. બુધવારે એક અધિકારીએ કહ્યું હતું કે અમે રિપેરિંગ હાથ ધર્યું છે પરંતુ કેટલો સમય લાગશે એ કહી ન શકાય. બૅંગલુરુની એક પ્રાઇવેટ કંપની આ ચીની બનાવટની રડારના રિપેરિંગનું કામ સંભાળે છે, તેના મુંબઈના કર્મચારીઓને આ જાણ કરવામાં આવી હતી. 
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer