બિઝનેસ ડીલ અવળી પડતાં માટુંગાના કચ્છી બીલ્ડર આર્થિક ભીંસમાં આવી ગયેલા

બિઝનેસ ડીલ અવળી પડતાં માટુંગાના કચ્છી બીલ્ડર આર્થિક ભીંસમાં આવી ગયેલા
 અમૂલ દવે તરફથી 
મુંબઈ, તા. 11 :  કચ્છી વિશા ઓસવાલ  જૈન સમાજના અને માટુંગામાં રહેતા (મૂળ કચ્છ રાયણ ગામના) બિલ્ડર મૂકેશ નવીનચંદ્ર સાવલાએ બિઝનેસ ડીલ બેકફાયર તથાં અને અનેક સમસ્યાઓથી ઘેરાયા હોવાથી ડિપ્રેશનમાં આવીને ગઈ કાલે જીવન ટૂંકાવી નાખ્યું હતું. ગઈ કાલે બિલ્ડર મૂકેશભાઈએ પોતે જ 15 વર્ષ પહેલાં બનાવેલા માટુંગાના લક્ષ્મી નિકેતન કોમ્પલેક્ષના પંદરમા માળેથી નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. તેમના પાર્થિવદેહને ગુરુવારે જ્ઞાતિજનો, મિત્રો અને કુટુંબીજનોની હાજરીમાં અગ્નિદાહ અપાયો હતો. પોલીસનું કહેવું છે કે મૂકેશભાઈએ આત્મહત્યાનું કારણ જણાવતી સુસાઇડ નોટ લખી નહોતી. જોકે સૂત્રોનું કહેવું છે કે સમસ્યાઓએ મૂકેશભાઈને ચોમેરથી ઘેરી લેતા તેઓ ડિપ્રેશનમાં ગરકાવ હતા. સૂત્રોના કહેવા મુજબ ભારે દેવાના બોજ હેઠળ દબાઈ ગયેલા મૂકેશભાઈ મોબાઈલની રીંગ વાગતી તો પણ ધ્રુજી જતા હતા. તેમણે લાંબા સમયથી ફોન લેવાનું બંધ કરી દીધું હતું. 
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મૂકેશભાઈની ફાંદ વધી ગઈ હોવાથી બેરિઆટ્રીક (પાતળા થવા માટેનું) ઓપરેશન કરાવ્યું હતું. તેમની પંજાબી વાઇફ હરજીત લાંબા સમયથી લકવાથી પીડાતા હતા. તેમને એકેય સંતાન નહોતું. લગ્ન થયે પંદરથી વધારે વર્ષ થયા હતા. તેમના 80 વર્ષના પિતા નવીનચંદ્ર સાવલા અને 75 વર્ષના માતા લીલાવતીબેન ગોરેગાંવમાં તેમની દીકરી ફાલ્ગુની સાથે રહે છે. મૂકેશભાઈ પણ પહેલાં ગોરેગાવમાં જ રહેતા હતા. મળતી માહિતી પ્રમાણે તેમણે એક પ્રોપર્ટી ખરીદી હતી, પરંતુ જમીનમાલિક ફરી જતાં મૂકેશભાઈ પર આભ તૂટી પડયું હતું. આનો કેસ હાઇ કોર્ટમાં ચાલે છે. 
આ સંવાદદાતાએ તેમના માતા લીલાવતીબેનનો સંપર્ક સાધતાં તેઓ ભાંગી પડયા હતા. તેમણે ગદ્ગદ્ કંઠે કહ્યું હતું કે મેં તો મારો એકનો એક વહાલસોયો દીકરો ગુમાવ્યો છે. મારો દીકરો અતિશય પ્રેમાળ અને મિલનસાર હતો. તે અલગ રહેતો હોવા છતાં મારો ખ્યાલ રાખતો હતો. હું દુ:ખદ ઘટનાના ત્રણ દિવસ પહેલાં માટુંગામાં તેની જોડે જ હતી, પરંતુ મારે એક સર્જરી કરાવવાની હોવાથી મારે જૂની ફાઇલ લેવા ગોરેગાંવ જવું પડયું  હતું. બુધવારે બપોરે અમને મૂકેશના પડોશીનો ફોન આવતાં અમે માટુંગા ધસી ગયા હતા. ત્યાં જતા અમને જાણ થઈ ત્યારે અમારા પર વજ્રઘાત થયો હતો. અમને ગજબનો માનસિક આઘાત લાગ્યો છે. મને મૂકેશના ધંધાની વિગતોની તો ખબર નથી, પરંતુ તે કોઈના પૈસા ડૂબાડી દે એવો નહોતો. અમે તો અમારું સર્વસ્વ ગુમાવી દીધું છે. 
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer