મલાડના ખુલ્લા મેનહોલમાં ત્રણ વર્ષનો બાળક ગરક થઈ ગયો

મલાડના ખુલ્લા મેનહોલમાં ત્રણ વર્ષનો બાળક ગરક થઈ ગયો
24 કલાક બાદ પણ મૃતદેહ ન મળ્યો, રહેવાસીઓએ કર્યું રસ્તા રોકો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 : મલાડ પૂર્વમાં ગોરેગામ-મુલુન્ડ લિંક રોડ ઉપર ઈટાલિયન કંપની પાસે આંબેડકર ચોક પાસેના નાળાંમાં બુધવારે રાત્રે 10:25 વાગે દિવ્યાંશ ધાનસી નામનું દોઢ વર્ષનું બાળક પડી ગયું હતું. તેની શોધ હજી ચાલુ છે. મેયર વિશ્વનાથ મ્હાડેશ્વર ત્યાં પહોંચ્યા તે પહેલાં નારાજ નાગરિકોએ ત્યાં `રસ્તા રોકો' અંદોલન કર્યુ હતું.
દિવ્યાંશ બુધવારે રાત્રે ઘરની બહાર રમતાં રમતાં લગભગ 10:24 વાગે નાળાંના મેનહોલમાં પડી ગયો હતો. રસ્તાની બાજુમાં આવેલા નાળાંમાંથી પાછા ફરવા માટે વળાંક લેતી વખતે તેનો પગ લપસ્યો હતો, અને તે નાળાંના મેનહોલમાં પડી ગયો હતો. નાળાંમાં જોરદાર પ્રવાહને લીધે તે તણાયો હોવાનું મસ્જિદની બહાર લગાડવામાં આવેલા સીસીટીવી કૅમેરામાં જોવા મળ્યું હતું. ત્યાર પછીની 20થી 30 સેકન્ડ બાદ દિવ્યાંશની માતા તેને શોધતી ત્યાં પહોંચી હોવાનું સીસીટીવી કૅમેરાના ફૂટેજમાં જોવા મળ્યું હતું. પુત્ર ગુમ થયો હોવાની બૂમાબૂમ તેની માતાએ કરી મૂકી પછી તુરંત જ પોલીસ, અગ્નિશમન દળ અને પાલિકાને તેની જાણ કરવામાં આવી હતી. તેઓએ તુરંત જ તે બાળકની શોધ આરંભી હતી. આમ છતાં અનેક કલાકોની શોધ છતાં તેનો પત્તો લાગ્યો નથી.
અગ્નિશમનદળના જવાનોએ ગઈકાલે મધરાતથી આજે સવાર સુધી મેનહૉલની ડ્રેનેજ લાઈનનું દસ કિલોમીટર સુધી નિરીક્ષણ કર્યુ હતું. જેસીબીની મદદથી ડ્રેનેજ લાઈન તોડીને બાળકને શોધી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તે સફળ થયો નથી.
મેયર મહાડેશ્વર આ પરિસરમાં નિરીક્ષણ કરવા આવી રહ્યા છે એવી જાણ થતાં સ્થાનિક રહેવાસીઓએ આંબેડકર ચોકમાં `રસ્તા રોકો' અને દેખાવો કર્યા હતા. પાલિકાની બેદરકારીને લીધે જ આ દુર્ઘટના બની હતી એવો આક્ષેપ તેઓએ કર્યો હતો. 
શહેરના જાણીતા ગૅસ્ટ્રોલૉજિસ્ટ ડૉ. દીપક અમરાપુરકર અૉગસ્ટ, 2017માં પ્રભાદેવી પાસે ખુલ્લી ગટરમાં પડી જતાં મરણ પામ્યા હતા. ત્યારપછી તેમનો મૃતદેહ બે દિવસ પછી બાંદરા પાસેના સમુદ્રમાંથી મળ્યો હતો.
મેયર : લોકો જવાબદાર
ગોરેગામમાં બાળક નાળામાં પડવાની ઘટના માટે મેયર વિશ્વનાથ મહાડેશ્વરે નાગરિકોને જ જવાબદાર ઠરાવ્યા છે. મેયરે જણાવ્યું છે કે લોકો ગટરનું ઢાંકણ ખોલી નાખે છે. દિવ્યાંશની માતાએ ધ્યાન રાખવાની જરૂર હતી. ગટરનું ઢાંકણ શા માટે ઉઘાડું હતું? સ્થાનિક નાગરિકોએ ગટરનું ઢાંકણ ખોલ્યું હતું? પાલિકા તંત્રએ ગટર ઉપર ઢાંકણ બેસાડયું નહોતું? તેની તપાસ કરવામાં આવશે.
પાલિકા સફાળી જાગી
મુંબઈ પાલિકા તરફથી જાહેરાત કરવામાં આવી છે કે શહેરમાં કોઈપણ સ્થળે ખુલ્લી ડ્રેનેજ લાઈન કે મેનહોલનું ઢાંકણું ખુલ્લું હોવાનું માલુમ પડે તો કંટ્રોલ રૂમનો ટે. નં. 1916 ઉપર સંપર્ક સાધવો.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer