જેઠવા હત્યા કેસ દીનુ સોલંકી સહિત સાતે સાત દોષિતોને આજીવન કેદ

જેઠવા હત્યા કેસ દીનુ સોલંકી સહિત સાતે સાત દોષિતોને આજીવન કેદ
સજાની સાથે 60 લાખ 50 હજારનો દંડ : જેઠવાના પરિવારને વળતર પેટે રૂા.11લાખ ચૂકવવા આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.11:આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલે દોષિત ઠરેલા ભાજપનાભૂતપૂર્વ સાંસદ દીનુ સોલંકી સહિત તમામ સાત દોષિતોને આજે સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ગત  તા.6 જુલાઇએ જેઠવા હત્યા કેસમાં ચુકાદો આપતા ન્યાયાલયે તમામ સાત આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. દરમિયાન આજે સવારે 10-30 વાગ્યાના સુમારે તમામ દોષિતોને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સિટી સિવિલ ઍન્ડ સેશન્સ કોર્ટે પૂર્વ સાસંદ દીનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત તમામ દોષિતોને હત્યા અને હત્યાના કાવતરા સહિતની કલમ 302-120 બી હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જ્યારે શૂટર શૈલેષ પંડયાને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે દોષિતોને આજીવન કેદની સજાની સાથે રૂા.60 લાખ 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે જ કોર્ટે આદેશ કર્યો હતો કે અમિત જેઠવાના પરિવારને વળતર પેટે રૂા.11લાખ ચૂકવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અમિત જેઠવા હત્યા કેસમાં નવ વર્ષે ચુકાદો આવ્યો છે અને તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે. 
આ કેસના વકીલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મુકેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ કેસમાં કોર્ટે દોષિતોને રૂા.60.50 લાખનો દંડ કર્યો છે. દીનુ સોલંકીને રૂા.15 લાખ અને શિવા સોલંકીને રૂા.15 લાખનો દંડ કરવામાં આવ્યો છે જ્યારે શૂટર શૈલેષ પંડયા અને પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરને રૂા.10 - 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે. સાથે શિવા પચાણને રૂા.8 લાખનો દંડ અને સંજય ચૌહાણને રૂા.1 લાખ તેમજ ઉદાજી ઠાકોરને રૂા.25,000નો દંડ કરવામાં આવ્યો છે.  સીબીઆઇ જજ કેએમ દવેએ આ દંડમાંથી 11 લાખ અમિત જેઠવાના પરિવારને વળતર પેટે આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટે બન્ને બાળકોના નામે રૂા.3-3 લાખ, જ્યારે રૂા.5 લાખ અમિત જેઠવાના પત્ની અલ્પા જેઠવાને આપવા આદેશ કર્યો છે. 
અમિત જેઠવાના પિતાએઁ કેસનો ચુકાદો આવ્યા બાદ પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે, આજે અમને ન્યાય મળ્યો છે. હવે 20 વર્ષ સુધી આ લોકોનો પરિવાર રિબાવવે જોઇએ. અમે 10 વર્ષ સુધી રિબાયા છીએ. 
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer