કર્ણાટક તત્કાળ નિર્ણય લેવા સ્પીકરનો ઈનકાર

કર્ણાટક તત્કાળ નિર્ણય લેવા સ્પીકરનો ઈનકાર
વિધાનસભ્યોના રાજીનામા સ્વૈચ્છિક અને સાચા છે કે નહીં તે ચકાસવાની જરૂર હોવાનું જણાવ્યું

બેંગલોર/મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : સર્વોચ્ચ અદાલતના હુકમ છતાં કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે. આર. રમેશકુમારે ગુરુવારે જનતા દળ (સેક્યુલર) અને કૉંગ્રેસના ગઠબંધનના બળવાખોર વિધાનસભ્યોના રાજીનામા અંગે તત્કાળ નિર્ણય લેવાનું નકારી કાઢયું હતું.
અદાલતના આદેશ બાદ દસ અસંતુષ્ટ વિધાનસભ્યોએ સ્પીકર સમક્ષ હાજર થઈને રાજીનામા નવેસરથી સુપરત કર્યા હતા. કુમારે કહ્યું હતું કે પત્રો યોગ્ય સ્વરૂપમાં છે, પરંતુ મારે એ વાતનો અભ્યાસ કરવો પડશે કે આ પત્ર સ્વૈચ્છિક અને સાચા છે કે નહીં. હું ન્યાયી નિર્ણય લઈશ જે અમુક માટે કદાચ સુગમ હશે અને અમુક માટે અગવડિયું હશે.
રમેશ કુમારે કહ્યું હતું કે, તેઓ પૂર્ણ જવાબદારી સાથે કર્તવ્ય નિર્વાહન કરી રહ્યા છે. મુંબઈથી બેંગ્લુરુ આવી પહોંચેલા કોંગ્રેસ અને જેડીએસનાં બળવાખોર વિધાયકો સાથે મુલાકાત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે, ધીમી સુનાવણીનાં આરોપોથી પોતે દુ:ખી છે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ બાગી વિધાયકે તેમની પાસે મુલાકાતનો સમય માગવામાં આવ્યો ન હતો. સુપ્રીમનાં આદેશને પગલે સ્પીકર કે.આર.રમેશકુમારે ધારાસભ્યોનાં રાજીનામા ઉપર નિર્ણય કરવા માટે વધુ સમય આપવા અદાલત સમક્ષ અનુરોધ કર્યો હતો. જો કે અદાલતે તેમની અરજી ઉપર તાત્કાલિક સુનાવણી નકારી દીધી હતી અને એ બાબતે આવતીકાલે સુનાવણી નિર્ધારિત કરી હતી.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer