ફ્લૅટ ખરીદનારાઓનાં નાણાં પરત કરવાં રવિ બીલ્ડર્સની 12 કરોડની પ્રોપર્ટીનું લિલામ થશે

મુંબઈ, તા. 12 : જે ફ્લૅટ ખરીદનારાઓને તેનો કબજો નહીં મળતાં તેઓનાં નાણાં રિફંડ નહીં કરી શકનારા બીલ્ડરની પ્રોપર્ટીનું જાહેર લિલામ મુંબઈમાં પહેલી વાર પરાંના કલેક્ટોરેટ હાથ ધરશે. બોરીવલીના તહેસીલદાર રવિ ગ્રુપ અૉફ કંપનીઝને મલાડ પૂર્વમાંની પ્રોપર્ટીઝના લિલામ માટેની જાહેર નોટિસ પાઠવી છે. આ પ્રોપર્ટીની કિંમત રૂા. 12 કરોડની છે. આ લિલામ છઠ્ઠી અૉગસ્ટે યોજાશે અને જે નાણાં તેમાંથી ઊપજશે તે ફ્લૅટ ખરીદનારાને નાણાં રિફંડ કરવા માટે વપરાશે.
કાંદિવલી (પશ્ચિમ)માં આવેલી રવિ ગ્રુપની અૉફિસને તહેસીલદારે સીલ મારી દીધું છે. આ ગ્રુપની વિધિ રિયલટર્સ ફ્લૅટોનો કબજો આપવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે ફ્લૅટો ખરીદનારા સાત જણે મહારેરાનો સંપર્ક કર્યો હતો. તેઓ આ લિલામનો પ્રથમ લાભાર્થી બની રહેશે.
ફરિયાદીઓએ 2010-11માં ગૌરવ ડિસ્કવરી થકી ફ્લૅટો બુક કર્યા હતા અને તેઓને 2013-16માં કબજો આપવાનું વચન અપાયું હતું. માલવણીમાં જનકલ્યાણનગર ખાતે આ 23 માળનું બિલ્ડિંગ છે, પણ અત્યાર સુધી માત્ર 19 માળ બંધાયા છે, જે ફક્ત માળખારૂપ બંધાયેલા અને તેમાં આંતરિક `કામકાજ' હજી બાકી છે, એમ એક ફ્લૅટ ખરીદનાર ફાઈનાન્સ સરોદેએ કહ્યું હતું. તેણે રૂા. 56 લાખના ફ્લૅટ માટે અત્યાર સુધી રૂા. 60 લાખ ખર્ચ્યા છે, જેમાં બીલ્ડરને ચૂકવાયેલા રૂા. 41 લાખ અને રજિસ્ટ્રેશનના તથા સ્ટેમ્પ ડયૂટી ખર્ચ સમાવિષ્ટ છે.
સરોદેએ 2010માં ફ્લૅટ બુક કર્યા હતા અને 2015 સુધીમાં તેનો કબજો આપવાની ખાતરી અપાઈ હતી. પછી અવારનવાર તેઓ આ માટેની તપાસ-પૂછપરછ કરતા રહ્યા. અન્ય ખરીદનારાઓ પણ તેમની સાથે મળીને આ તપાસ કરતા રહ્યા. રેરા જૂન 2019થી અમલમાં આવ્યું. આ માટે આમાંથી પાંચ જણે ઍડ્વોકેટ ગોડફ્રે પીમેન્ટના રેરામાં આ લડત કરવા સંપર્ક કર્યો હતો. ફરિયાદ ફાઈલ કરનારાઓએ પ્રોજેક્ટમાંથી નીકળી જવા માટે રજૂઆત કરી હતી અને રોકાણ પરત માગ્યું હતું. આ બાબત રેરા સમક્ષ ગઈ અને ખરીદનારા અને બીલ્ડર વચ્ચે સંમતિસૂચક એગ્રિમેન્ટ પર સહીસિક્કા થયા હતા અને ખરીદનારાઓને ચાર હપ્તામાં તેઓનાં બધાં નાણાં પરત કરી દેવાની ખાતરી આપી હતી. આ પાંચ ખરીદદારોએ અંદાજે રૂા. 5.5 કરોડ પરત લેવાના છે.

Published on: Fri, 12 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer