185 કિલો સોનાની દાણચોરી: પગેરું પાકિસ્તાનમાં

185 કિલો સોનાની દાણચોરી: પગેરું પાકિસ્તાનમાં
નવી દિલ્હી, તા. 12 : સુપ્રીમ કોર્ટે, કેસમાં તેના ચુકાદાને પેન્ડિંગ રાખી ગઈકાલે એક આંતરરાજ્ય સ્મગલિંગ સિન્ડીકેટના શકમંદ સૂત્રધાર સહિત કથિત બે સભ્યો વિરુદ્ધ કઠોર `કૉફેપોસા' (કન્ઝર્વેશન અૉફ ફોરેન એક્સચેન્જ ઍન્ડ પ્રીવેન્શન અૉફ સ્મગલિંગ એક્ટિવિટીઝ ઍક્ટ) હેઠળ આપેલા અટકાયતના આદેશને રદ કરવાના બૉમ્બે હાઈ કોર્ટના આદેશ સામે સ્ટે આપ્યો હતો. આ સિન્ડીકેટનો ચાલુ વર્ષના માર્ચ-એપ્રિલમાં પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટનો સ્ટે ગઈકાલે આરોપીઓના છુટકારાનો ડિરેક્ટરેટ અૉફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ કરેલા વિરોધ બાદ આપવામાં આવ્યો છે, જેમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે આ સિન્ડીકેટ દુબઈસ્થિત એક `પાકિસ્તાની નાગરિક' પાસેથી કથિતપણે સોનું પ્રાપ્ત કરતી હતી અને તેનાથી ભારતના અર્થતંત્રને અસ્થિર કરવાના ષડ્યંત્રને નકારી શકાય નહીં. ડીઆરઆઈએ આ પાકિસ્તાની શકમંદનું પગેરું કાઢવા આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ 
પાસેથી મદદ માગી છે, એમ ડીઆરઆઈના એક સૂત્રે જણાવ્યું હતું.
હાઈ કોર્ટે 25 જૂને ટેક્નિકલ ગ્રાઉન્ડ પર મુખ્ય આરોપીઓ નિસાર અલીયાર અને જ્વેલર હેપી ધાકડની અટકાયતને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે 17 મેના ડિટેન્શન અૉર્ડર સાથે વિશ્વસનીય દસ્તાવેજો સોંપવામાં આવ્યા ન હતા. તત્પશ્ચાત્ ડીઆરઆઈએ સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે 3 જુલાઈએ તમામ પક્ષકારોને 8 જુલાઈ સુધીમાં તેમના લેખિત સબમિશન સુપરત કરવા જણાવ્યું હતું.
સિન્ડીકેટ અને તેના સભ્યો વિરુદ્ધ અમે ગુરુવારે ચાર્જીસની ગ્રેવિટી દર્શાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના આદેશને રદ કર્યો હતો. અમે કોર્ટને જણાવ્યું હતું કે જુલાઈ, 2018થી માર્ચ, 2019 સુધી આશરે રૂા. 1000 કરોડના 3396 કિલોગ્રામ સોનાની દાણચોરી પાછળ આ સિન્ડીકેટનો હાથ હતો, એમ એક વરિષ્ઠ ડીઆરઆઈ અધિકારીએ કહ્યું હતું.
એકલા માર્ચ-એપ્રિલ, 2019માં ડીઆરઆઈના મુંબઈ ઝોનલ એકમે કથિતપણે મેટલ ક્રેપમાં દુબઈથી છુપાવીને લાવેલું 185 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું.

Published on: Fri, 12 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer