છૂટક કામકાજના ઘટાડા વચ્ચે નિફ્ટી 30 પૉઇન્ટ દબાયો

છૂટક કામકાજના ઘટાડા વચ્ચે નિફ્ટી 30 પૉઇન્ટ દબાયો
વાણિજય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : શૅરબજાર હવે અતિ સંવેદનશીલ અને રસાકસીભર્યા તબક્કામાં પ્રવેશ્યું છે. એશિયાનાં બજારો મહદ્અંશે સકારાત્મક રહેવા છતાં સ્થાનિકમાં આખરી કલાકોમાં હેવીવેઇટ શૅરોમાં ભારે વેચવાલીથી નિફ્ટી સત્રના અંતે 31 પૉઇન્ટના ઘટાડે 11552 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 87 પૉઇન્ટ ઘટીને 38736 બંધ હતો, પરંતુ નિફ્ટીનો મિડકેપ ઇન્ડેક્સ 60 પૉઇન્ટ અને સ્મોલકેપ 22 પૉઇન્ટ ઊંચે બંધ રહ્યો હતો. નિફ્ટીના મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકોમાં મિશ્ર વલણ જોવાયું હતું. મેટલ, આઈટી, ફાર્મા અને પીએસયુ શૅરો સુધર્યા હતા. જેની સામે બૅન્કિંગ, એફએમસીજી અને ખાનગી બૅન્કેકસમાં ઘટાડો હતો. નિફ્ટીના 28 શૅર વધવા સામે 22 શૅર ઘટીને બંધ રહ્યા હતા. હવે ઔદ્યોગિક ઉત્પાદન અને ફુગાવાના આંકડા પર બજારની નજર રહેશે.
અમેરિકા સાથે ભારત, ચીન અને ઇરાનના ટ્રેડ બાબતના વધતા તણાવની અસરથી શૅરબજારોમાં સતત સાવધાનીનું વલણ વધ્યું છે. તેથી સોનાનો ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યો છે. ક્રૂડતેલ 67 ડૉલર થવાથી વાહન, રિફાઇનિંગ અને ઔદ્યોગિક શૅરોમાં વધુ ઘટાડો આવી શકે છે.
આજે નિફ્ટી 11639ની સપાટીથી પટકાઈને 11538 સુધી ઘટયો હતો. તેથી હવે બજાર અતિ રસપ્રદ તબક્કામાં પ્રવેશે છે. 11460-30 સપોર્ટ સપાટી અને 11650 પ્રતિકાર ઝોન હોવાથી બેતરફી વધઘટ પછી મધ્યમગાળાની ચાલ આગામી અઠવાડિયામાં નક્કી થવાની પ્રબળ શક્યતા છે.
આજે સુધરનાર શૅરમાં અગ્રણી હીરો હોન્ડા રૂા. 22, સનફાર્મા રૂા. 10, એશિયન પેઇન્ટ રૂા. 29, વેદાન્તા રૂા. 4, ટિસ્કો રૂા. 11, અલ્ટ્રાટેક રૂા. 27, બ્રિટાનિયા રૂા. 15 અને બજાજ ફિનસર્વ રૂા. 80 વધ્યા હતા. જ્યારે ઘટાડામાં મારુતિ રૂા. 60, ડૉ. રેડ્ડીસ રૂા. 25, એચડીએફસી બૅન્ક રૂા. 13, એલઍન્ડટી રૂા. 28, એચયુએલ રૂા. 18, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 32, વિપ્રો રૂા. 9, એક્સિસ રૂા. 10, ઓએનજીસી અને બીપીએલ અનુક્રમે રૂા. 3 અને રૂા. 5 ઘટયા હતા.
વ્યક્તિગત શૅરમાં લેમન ટ્રી 3 ટકા સુધરવા સામે એરિક લાઇફ 8 ટકા અને કેપીઆર મિલ્સ 5 ટકા ઘટયા હતા.
એશિયન બજાર
એશિયન બજારોમાં પ્રત્યાઘાતી સુધારો હતો. હૉંગકૉંગ ખાતે હેંગસેંગ 40, જપાનનો નિક્કી 42 પૉઇન્ટ, દક્ષિણ કોરિયા ખાતે કોસ્પી અને શાંઘાઈ ઇન્ડેક્સ 6 પૉઇન્ટ સુધારે હતા.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer