આઇસીઈએક્સ પર બાસમતી ચોખામાં વાયદાનો પ્રારંભ

આઇસીઈએક્સ પર બાસમતી ચોખામાં વાયદાનો પ્રારંભ
બાસમતી 1121 વેરાયટીમાં ટેકાના ભાવના અભાવે વાયદાનું પ્લૅટફૉર્મ વાજબી ભાવની શોધમાં મદદરૂપ થશે 

મુંબઈ, તા.12 : ઇન્ડિયન કૉમોડિટી એક્સચેન્જે (આઇસીઈએક્સ) સેબીની મંજૂરી મેળવી હાલમાં જ બાસમતી ચોખાની 1121 વેરાયટીમાં વાયદાના કામકાજનો પ્રારંભ કર્યો છે. શરૂઆતમાં આ વેરાયટીના સપ્ટેમ્બર, અૉક્ટોબર અને નવેમ્બર 2019 એવા ત્રણ કોન્ટ્રાકટસ ટ્રાડિંગ માટે એકસાથે ઉપલબ્ઘ બનાવાયા છે. હરિયાણાના કરનાલ ખાતેના માન્ય કેન્દ્ર પર ફરજિયાત ડિલિવરીના ધોરણે ટ્રાડિંગની લોટ સાઇઝ 10 મે. ટન નિર્ધારિત છે. 
એક્સચેન્જ  બાસમતીના મુખ્ય વેપાર કેન્દ્ર દિલ્હી ઉપરાંત મહત્ત્વના ઉત્પાદક રાજ્યો હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ ખાતે તાલીમી કાર્યશાળાઓ અને સેમિનારોના આયોજન મારફત બાસમતીમાં  ડેરિવેટીવ્ઝ ટ્રાડિંગના કામકાજ અને તેના લાભ વિષે બજારના સહભાગીઓને પ્રશિક્ષણ આપવામાં અને જાગરુકતાનું નિર્માણ કરવામાં પ્રવૃત્ત છે. ભાવમાં વર્ષે સરેરાશ લગભગ 70 ટકા જેટલી વધઘટ કરતી આ કૉમોડિટી હવે નિયમન હેઠળની પારદર્શક અને ઇલેક્ટ્રોનિક વાયદા બજાર ઉપલબ્ઘ બનવાથી ખેડૂતો, મિલર્સ, પ્રોસેસર, સ્ટોકિસ્ટ અને નિકાસકાર જેવા ઉદ્યોગના સહભાગીઓ ભાવ જોખમનો પ્રબંધ કરી શકશે. હાજિંગ તેમને માટે ઈન્વેન્ટરી નિર્માણ કરશે, ભાવની વધઘટ સામે નિકાસ ઓર્ડરોના સંબંધમાં પ્રતિબદ્ધતા જાળવશે અને ભાવની સ્પર્ધાત્મકતામાં સુધારો લાવશે. 
આ અંગે આઇસીઈએક્સના એમડી અને સીઈઓ સંજિત પ્રસાદે જણાવ્યું હતું કે `બાસમતી ચોખાના ભાવમાં મોટી વધઘટ બજારના સહભાગીઓને વ્યવસાય સંકેલી લેવા સુધીનું કાયમી નુકસાન કરી શકે છે. આ કૉમોડિટીમાં ભાવની અચાનક ઝડપી વધઘટ ખેડૂતો, મિલર્સ, પ્રોસેસર, સ્ટોકિસ્ટ અને નિકાસકારોને ભારે મોટી ખોટ ખમવાનો વારો આવે છે. જોકે, હવે બાસમતી ચોખાની 1121 વેરાયટીમાં ઉપલબ્ઘ વાયદાના કોન્ટ્રાકટસ ભાવની અનિશ્ચિતતા સામે હાજિંગનું સાધન પૂરું પાડીને સલામતી આપશે અને આ કૉમોડિટીમાં લઘુત્તમ ટેકાના ભાવના અભાવે વાજબી ભાવની શોધ કરવામાં મદદરૂપ બનશે.'
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer