જૂન ''19 ત્રિમાસિકમાં ઈન્ફોસીસના નફામાં 5.3 ટકાની આવકમાં 14 ટકાની વૃદ્ધિ

જૂન ''19 ત્રિમાસિકમાં ઈન્ફોસીસના નફામાં 5.3 ટકાની આવકમાં 14 ટકાની વૃદ્ધિ
શૅર બાયબૅક કાર્યક્રમ ચાલુ રહેશે 0 2019-20માં આવકવૃદ્ધિની ગાઇડન્સમાં સુધારો કર્યો 

એજન્સીઓ  
બેંગલુરુ, તા. 12 : ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં જાણીતી કંપની ઇન્ફોસીસે જૂન ત્રિમાસિકના નફામાં વાર્ષિક ધોરણે 5.3 ટકા વધારો જાહેર કર્યો હતો. 2019-20ના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનો નફો રૂા. 3802 કરોડ હતો. જોકે, અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં નફો 6.8 ટકા ઘટ્યો હતો. 
નિષ્ણાતોની અપેક્ષા રૂા. 3730 કરોડના નફાની હતી.  
જૂન ત્રિમાસિકનાં નાણાકીય પરિણામો કંપનીએ શુક્રવારે જાહેર કર્યાં હતાં. 
જૂન ત્રિમાસિકમાં કંપનીની આવક 14 ટકા વધીને રૂા. 21,803 કરોડ થઇ હતી.  
શુક્રવારે કંપનીના શૅરનો ભાવ રૂા. 5.25 વધીને રૂા. 726.75 પર બંધ રહ્યો હતો. 
કંપનીએ 2019-20માં આવક વૃદ્ધિની ગાઈડન્સ વધારીને 8.5-10 ટકા કરી છે પણ ઓપરાટિંગ માર્જિનની 21-23 ટકાની ગાઈડન્સ યથાવત્ રાખી છે. 
કંપનીનો કાર્યકારી નફો 20.5 ટકા હતો. અગાઉના ત્રિમાસિકમાં એ 23.7 ટકા અને એક વર્ષ અગાઉના ત્રિમાસિકમાં 21.4 ટકા હતો. 
ડૉલર ટર્મમાં આવકમાં 10.6 ટકા વધારો થયો હોવાનું કંપનીએ જાહેર કર્યું હતું. `કોન્સ્ટન્ટ કરન્સી'માં આવકમાં અગાઉના ત્રિમાસિકની સરખામણીમાં 2.8 ટકા અને એક વર્ષ અગાઉની સરખામણીમાં 12.4 ટકા વધારો નોંધાયો હતો.  
નાણાકીય વર્ષ 2019-20 અમારી શરૂઆત સારી રહી છે. કોન્સ્ટન્ટ કરન્સીમાં વિકાસ વધીને 12.4 ટકા અને ડિજિટલ આવકનો વિકાસ 41.9 ટકા રહ્યો છે, એમ જણાવતાં કંપનીના સીઈઓ અને એમડી સલીલ પારેખે કહ્યું હતું કે અમે ગ્રાહકો પર ખાસ ધ્યાન આપ્યું તેને કારણે આ વિકાસ શક્ય બન્યો છે. એટલે વર્ષ માટેની આવક ગાઈડન્સ અમે 7.5-9.5 ટકાથી વધારીને 8.5-10 ટકા કરી છે. 
કંપનીએ કહ્યું હતું કે જૂન ત્રિમાસિકમાં તેણે 2.7 અબજ ડોલરના મોટા સોદા કર્યા હતા. 
કંપની પાંચ વર્ષમાં તેની ફાજલ રોકડના 85 ટકા જેટલી રકમ અર્ધ-વાર્ષિક ડિવિડન્ડ કે શૅર બાયબેક દ્વારા રોકાણકારોને પાછી આપશે એમ પણ ઇન્ફોસીસે કહ્યું હતું. તેની અત્યારની પોલિસી વર્ષે 70 ટકા ફાજલ રકમ પાછી આપવાની છે. 
કંપનીનો બાયબેક કાર્યક્રમ ચાલુ છે અને રૂા. 8260 કરોડના શેરના બાયબેકની જાહેરાત સામે તેણે અત્યાર સુધીમાં રૂા. 5934 કરોડના શેરનું બાયબેક કર્યું છે. 
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer