જૂનમાં રિટેલ ફુગાવો આઠ માસની ટોચે 3.18 ટકા

જૂનમાં રિટેલ ફુગાવો આઠ માસની ટોચે 3.18 ટકા
મેમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું

મેન્યુફેકચરિંગ ગતિવિધિ ઘટીને 2.5 ટકા થઈ

એજન્સીસ
નવી દિલ્હી, તા. 12 : જૂન મહિનામાં કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ)- રિટેલ ફુગાવો મેની તુલનાએ સહેજ વધીને પાછલા આઠ માસની ટોચે 3.18 ટકા નોંધાયો છે. મે માસમાં રિટેલ ફુગાવો 3.05 ટકા હતો. તે સાથે મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન પણ એપ્રિલની તુલનાએ ઘટીને 3.1 ટકા થયું હતું. એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદન 3.4 ટકા હતું, એમ નાણાં મંત્રાલય હેઠળ આવતા આંકડા વિભાગે શુક્રવારે જણાવ્યું હતું.
ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવના કારણે જૂનમાં રિટેલ ફુગાવો વધ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બજારની ધારણા રિટેલ ફુગાવો 3.20 ટકા રહેવાની હતી. તેથી તે સહેજ ઓછો આવ્યો છે.
જોકે, રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ના મધ્યમ ગાળાના ચાર ટકાના લક્ષ્ય કરતાં રિટેલ ફુગાવો સતત 11મા મહિનામાં ઓછો રહ્યો છે.
ભારતમાં ફુગાવાની સરેરાશ વર્ષ 2012થી 2019 સુધી 6.08 ટકા રહી છે, જે નવેમ્બર 2013માં 12.17 ટકાના સર્વોચ્ચ સ્તરે હતી. જ્યારે જૂન 2017માં ફુગાવો 1.54 ટકાના સૌથી નીચા વિક્રમી સ્તરે હતો.
દરમિયાન, મે માસમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ઉત્પાદનની ગતિવિધિ એપ્રિલના 4 ટકાની તુલનાએ ઘટીને 2.5 ટકા થઈ છે અને ખાણકામ 5.1 ટકાથી ઘટીને 3.2 ટકા થયું છે.
જોકે, મેમાં વીજ ઉત્પાદન એપ્રિલના 6 ટકાની તુલનાએ વધીને 7.4 ટકા થયું હતું.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer