લદાખમાં ભારતીય ક્ષેત્રમાં છ કિમી સુધી ચીની સેનાની ઘૂસણખોરીના

અહેવાલને ભારતીય લશ્કરે નકાર્યા

લદ્દાખ, તા. 12 : ડોકલામ ગતિરોધના બે વર્ષ બાદ ચીનની સેનાએ ફરી એક વખત ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અમુક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પૂર્વી ડેમચોક વિસ્તારમાં 6 કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી કરીને પોતાનો ઝંડો ફરકાવ્યો હતો. ચીનની સેનાની ઘુસણખોરીની ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સ્થાનિક લોકો તિબેટીયન ધર્મગુરૂ દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. જોકે, ભારતીય સેનાએ આવા અહેવાલોને નકારી કાઢયા છે. સેનાએ જણાવ્યું હતું કે આવા કોઇ અધિકૃત અહેવાલો કે જાણકારી અમારા સુધી પહોંચ્યા નથી અને ભારતીય સેના હંમેશાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. સરહદ પર સામાન્ય પરિસ્થિતિ છે અને આ પ્રકારના કોઈ અહેવાલો નથી. 
ચીનની સેના દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીના અહેવાલને ડેમચોકના સરપંચે પણ પુષ્ટી આપી હતી. ડેમચોકના સરપંચ ઉરગેને કહ્યું હતું કે, ચીનના સૈનિકો વાહોન ભરીને ભારતીય સરહદમાં ઘુસ્યા હતા અને ચીનનો ઝંડો ફરકાવ્યો હતો. વધુમાં એમ પણ કહ્યું હતું કે, સૈનિકોનો ડેમચોકમાં ઘુસવાનો હેતું કોઈ અન્ય હોવાનું લાગી રહ્યું છે. ઉરેગનના કહેવા પ્રમાણે ચીનની સેનાની ઘુસણખોરી ચિંતાની બાબત છે. ચીન આવી ગતિવિધીને અંજામ આપીને ભારત ઉપર દબાણ વધારવા માગે છે. જેથી જો ભવિષ્યમાં વાતચીત થાય તો કબ્જો કરેલા ક્ષેત્ર ઉપર દાવો કરી શકાય. 
ચીન કહી શકે છે આ વિસ્તારમાં ચીનનો ઝંડો છે અને ટેન્ટ પણ છે. ડેમચોકના સરપંચે ઉમેર્યું હતું કે, ભારત અને ચીનની સરહદ ઉપર લદ્દાખમાં ડેમચોક અંતિમ માનવ વસાહત ધરાવતું ક્ષેત્ર છે.  ચીને અગાઉ પણ ઘુસણખોરી અને ક્ષેત્ર ઉપર કબ્જાની પ્રવૃત્તિ કરી છે. 
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer