બાળકોનાં કુપોષણને દૂર કરવા મહિલા સાંસદોને વડા પ્રધાનનો અનુરોધ

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપનાં મહિલા સાંસદોને ગરીબ વિસ્તારોમાં નાનાં બાળકોમાં કુપોષણને દૂર કરવાની દિશામાં કામ કરવાનો અનુરોધ કર્યો હતો.
પોતાના નિવાસસ્થાન ખાતે આજે સવારે વડા પ્રધાને આ મહિલા સાંસદોને નાસ્તા માટે આમંત્રણ આપ્યું હતું. વડા પ્રધાને આ મહિલા સાંસદોને તેમના વિસ્તાર સાથે પરિચય આપવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ મહિલા સાંસદોને એકબીજાંનો પરિચય હોવો જોઈએ. મહિલા સાંસદોએ નવી જવાબદારીઓ લેવી જોઈએ. તેમણે નવાં ક્ષેત્રોમાં કામ કરવું જોઈએ.
વડા પ્રધાને નાનાં બાળકોમાં કુપોષણની સમસ્યાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મહિલા સાંસદોએ એવા વિસ્તારો કે જ્યાં બાળકો કુપોષણથી  પીડાતાં હોય ત્યાં કામ કરવું જોઈએ. આવો પ્રયોગ ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એક સ્વસ્થ અને તંદુરસ્ત બાળકની તસ્વીર માતાઓને તેમના મોબાઈલમાં નાખવાનું જણાવવામાં આવ્યું હતું જેને જોઈને તેમને પોતાનાં સંતાનો પણ તંદુરસ્ત રહે એવી પ્રેરણા મળતી હતી.
વડા પ્રધાન સાંસદો સાથે સતત મુલાકાતો કરી રહ્યા છે, જેમાં સાંસદોને અલગઅલગ જૂથમાં વહેંચી દેવામાં આવ્યાં છે.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer