ટિનેજરે કચરો વિણનારાઓને રેઇન કોટ આપવા માટે 5.6 લાખનો ફાળો એકત્ર કર્યો

મુંબઈ, તા. 12 : દસમા ધોરણમાં ભણતી 14 વર્ષની સંજના રૂનવાલના કારણે શહેરના કેટલાંક કચરો વિણનારાઓને મુશ્કેલીઓમાંથી થોડી રાહત મળી છે. 14 વર્ષની આ કિશોરીએ 5.62 રૂપિયાનો લોકફાળો એકત્ર કર્યો છે અને હવે તે આ ફાળાની રકમનો એક-એક પૈસો શહેરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થતા કચરો વિણનારાઓ માટે વાપરવા માગે છે. 
બૉમ્બે સ્કોટીશ સ્કૂલની વિદ્યાર્થિની સંજનાએ પોતાની આસપાસના સમાજ  જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે મોટું પગલું લીધું છે. સંજનાએ તેના મોટા ભાઇ સિદ્ધાર્થના સામાજિક સંગઠન ક્લીન-અપ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવીને મુંબઈની કેટલીક ઝૂંપડપટ્ટીઓમાં વૉટર ફિલ્ટરો મુકાવ્યા હતા, જ્યાં કચરો વિણનારા એકત્ર થાય છે અને તેમની તૃષા તૃપ્ત થાય છે. હવે તેની ઇચ્છા શહેરની તમામ ઝૂંપડપટ્ટીઓમાં આવા અત્યંત ગરીબોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા વૉટર ફિલ્ટરો મુકાવવાની છે. 
સિદ્ધાર્થ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા બાદ સંજનાએ તેના સંગઠનનું નેતૃત્વ હાથમાં લીધું છે. તેના જણાવ્યા પ્રમાણે કચરો વિણનારાઓ પર આપણી નજર ક્યારેય નથી પડતી. આપણે શહેરને સ્વચ્છ જોવા માગીએ છીએ, પરંતુ જમીન પર કામ કરતા કચરો વિણનારાઓની ઉપેક્ષા કરીએ છીએ. ગયા મહિને ચોમાસુ બેઠું એ અગાઉ સંજનાએ કચરો વિણનારાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇને 200થી વધુ રેઇન કોટ અને ગમબૂટનું વિતરણ કર્યું હતું. સંજના અૉનલાઇન કેમ્પેન ચલાવીને લોકો પાસેથી ફાળો માગે છે અને આવી નાની-મોટી રકમ એકત્ર થયા બાદ ખાસ હેતુસર વાપરે છે.
Published on: Sat, 13 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer