ભારતમાં 27 કરોડ લોકો ગરીબીથી મુક્ત યુએન

નવી દિલ્હી, તા. 12 :  ભારતમાં સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતના વિભિન્ન ક્ષેત્રમાં થયેલી પ્રગતિથી મોટી સંખ્યામાં લોકો ગરીબીના સંકટમાંથી બહાર આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2006થી 2016 વચ્ચે રેકોર્ડ 27.10 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નિકળ્યા છે. રસોઈ માટેનું ઈંધણ, સાફ સફાઈ અને પોષણ જેવા ક્ષેત્રોમાં થયેલા મજબુત સુધારા સાથે ગરીબી સુચકાંકમાં મોટો ઘટાડો આવ્યો છે.
યૂએનડીપી (સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ) અને ઓક્સફોર્ડ પુવર્ટી એન્ડ હ્યુમન ડેવલોપમેન્ટ ઈનીશિએટીવ દ્વારા તૈયાર એમપીઆઈ (વૈશ્વિક ગરીબી સુચકાંક) રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં 101 દેશોમાં 1.3 અબજ લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 31 ન્યૂનતમ આવક, 68 મધ્યમ આવક અને 2 ઉત્ત આવક ધરાવતા દેશ હતા. વિભિન્ન ક્ષેત્રના આધારે ગરીબીની ગણતરી માત્ર આવકના આધારે નહી પણ સ્વાસ્થ્યની સ્થિતિ, કામકાજની ખરાબ ગુણવત્તા અને હિંસાનું જોખમ વગેરે માપદંડોને ધ્યાને લઈને કરવામાં આવી હતી. 
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે 10 દેશોમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ દેશો બંગલાદેશ, કમ્બોડિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, ઈથોપિયા, હૈતી, ભારત, નાઈઝિરીયા, પાકિસ્તાન, પેરુ અને વિયેતનામ છે. તેમાં પણ સૌથી વધુ પ્રગતિ એશિયામાં જોવા મળી છે. ભારતમાં 2006-2016 વચ્ચે 27.10 કરોડ લોકો, બંગલાદેશમાં 2004-2014 વચ્ચે 1.90 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેમજ ભારત અને કમ્બોડિયાના એમપીઆઈમાં ઝડપી ઘટાડો થયો છે.
ભારતમાં પણ ગરીબી ઘટાડાના મામલામાં સૌથી વધુ સુધારો ઝારખંડમાં જોવા મળ્યો છે. રિપોર્ટ પ્રમાણે 2005-06માં ભારતમાં 64 કરોડ લોકો ગરીબીમાં હતા. જે સંખ્યા 2015-16માં ઘટીને 36.9 કરોડ થઈ છે. 
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer