ભારત સરહદેથી યુદ્ધવિમાન હટાવે તો ઍરસ્પેસ ખૂલશે પાકની શરત

ભારત સરહદેથી યુદ્ધવિમાન હટાવે તો ઍરસ્પેસ ખૂલશે પાકની શરત
પાકિસ્તાનના ઉડ્ડયન સચિવે સંસદીય સમિતિ સમક્ષ આપી જાણકારી : ફોરવર્ડ બેઝ ઉપરથી યુદ્ધવિમાન દૂર કરવા માગણી

નવી દિલ્હી, તા. 12  બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાના એરસ્પેસને બંધ કર્યું છે. હવે પાકિસ્તાને એરસ્પેસ ખોલવા મામલે શરત મુકતા કહ્યું છે કે જો ભારત સરહદ ઉપર આવેલા ફોરવર્ડ બેસમાં તૈનાત પોતાના યુદ્ધવિમાનોને પાછા ખેંચે તો ભારતીય ફ્લાઈટો માટે પાકિસ્તાન પોતાનું એરસ્પેસ ખોલવા માટે તૈયાર છે.  પાકિસ્તાનના નાગરીક ઉડ્ડયન સચિવ શાહરુખ નુસરત દ્વારા આ જાણકારી પાક.ની સંસદીય સમિતિને આપવામાં આવી હતી. 
કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના વળતા જવાબરૂપે વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ધમધમી રહેલા જૈશ-એ-મોહમ્મદના કેમ્પ ઉપ્ર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાની કાર્યવાહીથી થથરી ઉઠેલા પાકિસ્તાન 26 ફેબ્રુઆરીથી પોતાના એરસ્પેસને બંધ કરવાનું એલાન કર્યું હતું. પાકિસ્તાનના ડોન ન્યૂઝના અહેવાલ મુજબ શાહરુખ નુસતરે પાક. સેનેટની સ્થાયિ સમિતિને જાણકારી આપી હતી કે એરસ્પેસના ઉપયોગ માટે ભારતીય અધિકારીઓ સમક્ષ શરત મુકવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સરહદ ઉપર તૈનાત યુદ્ધવિમાનોને હટાવવાનો નિર્ણય ભારત દ્વારા કરાવમાં આવે તો જ એરસ્પેસ ખોલવામાં આવશે. નુસરતે સમિતિ સમક્ષ એવો દાવો પણ કર્યો હતો કે ભારત સરકારે સંપર્ક કરીને હવાઈ ક્ષેત્ર ખોલવાનો અનુરોધ કર્યો હતો. આ દરમિયાન જ ભારતે તૈનાત કરેલા યુદ્ધવિમાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer