ચેન્નઈમાં દુકાળની ગંભીર સ્થિતિ

ચેન્નઈમાં દુકાળની ગંભીર સ્થિતિ
ડૉક્ટરોએ શત્રક્રિયા માટે પાણી ખરીદવું પડે છે !

ચેન્નાઈ, તા. 12 : ચેન્નાઈના ડૉક્ટરો જલ્દી વરસાદ આવે એવી પ્રાર્થના કરી રહ્યા છે.
જો ચેન્નાઈમાં પાણીપુરવઠો પૂર્વવત્ નહીં થાય તો દર્દીઓની સારવાર ભગવાનની દયા પર થશે, એમ 150 પથારીઓ સાથેનાં ચાર ક્લિનિકોની શ્રૃંખલાવાળી સુંદર હૉસ્પિટલના ચૅરમૅન રવિશંકરે જણાવ્યું હતું.
આ હૉસ્પિટલોમાં પાઈપલાઈન દ્વારા હાલ પાણી આવતું નથી અને પાણીનાં ટેન્કરોના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે.
``પાણીનાં ટેન્કરોના વધતા ભાવ આખરે તો દર્દીઓ પર જ લાદવામાં આવશે અને તેમણે વધુ નાણાં ચુકવવાં પડશે.'' જો આ જ પરિસ્થિતિ હજી એક મહિનો ચાલુ રહી તો અમે દર્દીઓની સારવાર કરવાની સ્થિતિમાં રહેશું નહીં, એમ રવિશંકરે વધુમાં જણાવ્યું હતું.
હાલ ચેન્નાઈની લગભગ તમામ હૉસ્પિટલો સંપૂર્ણ રીતે ખાનગી માલિકીના 500 જેટલાં વોટર ટેન્કરો પર નિર્ભર છે. આ ટેન્કરો દરરોજ ચેન્નાઈની પાણીની પ્યાસને બુઝાવે છે. પરંતુ હવે 100 કિલોમીટર જેટલા અંતરેથી પણ પાણી લાવવું મુશ્કેલ થઈ રહ્યું છે અને જો આવી જ પરિસ્થિતિ રહી તો અમે ભારે કિંમત ચુકવવા તૈયાર થનારાઓને પણ પાણીપુરવઠો પૂરો પાડી શકીશું નહીં, એમ તામિલનાડુ પ્રાઈવેટ વોટર ટેન્કર લોરી ઓનર્સ ઍસોસિયેશનના પ્રમુખ એન. નિજલિંગમે જણાવ્યું હતું.
12,000 લિટર પાણી ધરાવતા એક વોટર ટેન્કરનો ભાવ જે એપ્રિલ મહિનામાં રૂપિયા 1200નો હતો તે અછતની શરૂઆત થતાં જ રૂપિયા 6000ને આંબી ગયો છે.
મેડિકલ ટૂરિઝમ હબ ગણાતા ચેન્નાઈમાં મોટી હૉસ્પિટલોની સરખામણીમાં નાનાં ક્લિનિકો અને નર્સિંગ હોમ્સને પાણીની અછતની વધુ અસર થઈ છે. મોટી હૉસ્પિટલો વધુ નાણાં ખર્ચવા સક્ષમ હોય છે, એમ શહેરની અપોલો હૉસ્પિટલના વસર્ક્યુલર સર્જ્યન ડૉ. વેણુગોપાલે જણાવ્યું હતું.
`હાલ પાણીની કટોકટી છે એટલે સરકાર પાણીની ટ્રેનો લાવી રહી છે, પરંતુ ત્યાર પછી શું? એવો સવાલ રવિશંકરે કર્યો હતો.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer