કચ્છી ડેવલપરની આત્મહત્યા બાદ બીલ્ડરોનું

કચ્છી ડેવલપરની આત્મહત્યા બાદ બીલ્ડરોનું
ઍસોસિયેશન કાઉન્સિલિંગ સિસ્ટમ વિકસાવશે
 
મુંબઈ, તા.12 : માટુંગામાં પોતે જ બનાવેલી બીલ્ડિંગના પંદરમાં માળેથી ઝંપલાવીને બુધવારે કચ્છી ડેવલપર મુકેશ સાવલાએ આત્મહત્યા કરી એ ઘટનાથી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. આવી વધુ ઘટનાઓ ન બને એ માટે બીલ્ડરો-ડેવલપરોના ટોચના સંગઠન સીઆરઇડીએઆઇ-એમસીએચઆઇ તરફથી જણાવાયું હતું કે સમસ્યાગ્રસ્ત બીલ્ડરો-ડેવલપરોની મદદ માટે કાઉન્સિલિંગ કે સપોર્ટ ગ્રુપ બનાવવાની જરૂર છે.
હાલમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો ખરાબ સમય ચાલી રહ્યો છે, એવા પણ અહેવાલો છે કે મુંબઈ અને મુંબઈ રીજનમાં ફ્લેટોના વેચાણ થતા નથી અને લાખોની સંખ્યામાં ખાલી પડેલાં ફ્લેટોમાં કરોડો રૂપિયા રોકાયેલા છે. બીલ્ડરોએ પોતાના આદરેલા પ્રોજેક્ટ પૂરાં કરવા માટે 36 ટકા સુધીના ઊંચા વ્યાજે પૈસા લેવા પડે છે.        
સીઆરઇડીએઆઇ-એમસીએચઆઇના પ્રમુખ નયન શાહે કહ્યું હતું કે બીલ્ડરો-ડેવલપરો મુકેશ સાવલા પરિવારની સાથે ઊભો છે અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને એ માટે અસરગ્રસ્ત બીલ્ડર-ડેવલપરને મદદ માટે કાઉન્સિલિંગ કે સપોર્ટ ગ્રુપ બનાવવાનો પ્રસ્તાવ પણ તૈયાર થઇ રહ્યો છે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી બીલ્ડરો કે ડેવલપરો દ્વારા આત્મહત્યાનાં બનાવો વધી ગયા છે તેને રોકવા માટે કોઇક પગલાં તો લેવા જ પડશે નહીંતર આગળનો સમય વધુ ખરાબ આવશે. 
ડેવલપરોને નાણાભીડ વખતે કોઇ સંસ્થાગત પેઢીઓ પાસેથી જ નહીં ખાનગી શરાફો પાસેથી પણ ઊંચા વ્યાજે પૈસા ઉછીના લેવા પડે છે આના કારણે તેમના પર કરજનો મોટો બોજ ખડકાય છે. નવી મુંબઈના ડેવલપર મનોહર શ્રોફના જણાવ્યા પ્રમાણે એક વર્ષમાં બીજા બીલ્ડર (સાવલા)એ આત્મહત્યા કરી. આવા કેટલાંક કેસમાં સરકારી એજન્સીઓ તો કેટલાંક કેસમાં બીલ્ડરોનો વાંક હોય છે. કેટલાંક કેસમાં તો રોકાણકારો કે નાણાં ધીરનારાઓ બીલ્ડર-ડેવલપર પર શરતો લાદે છે અને તેમણે વેચેલી કે ભાડાપટ્ટે આપેલી જમીન માટે 36-60 ટકા સુધીનું ઊંચુ વ્યાજ વસૂલે છે. સામાન્ય સમજ એવી છે કે બીલ્ડરો મોટો માલ કમાય છે, પરંતુ હકિકત એ છે કે આખી સિસ્ટમ જ પડી ભાંગી છે અને બીલ્ડરો તેનો ભોગ બની રહ્યા છે. 
નયન શાહે જણાવ્યું હતું કે બીલ્ડરો ભારે દબાણમાં છે અને તેમના માટે કાઉન્સિલિંગ સિસ્ટમની તાતી જરૂરિયાત છે. એક એસોસિયેશન કે સંગઠન તરફથી અમે મુશ્કેલીમાં ફસાયેલા બીલ્ડરો અને તેમના પરિવારોને કહેવા માગીએ છીએ કે અમે તમારી સાથે જ છીએ. એસોસિયેશન તમારી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા સતત પ્રયાસો કરશે, સાથે મળીને અમારે આવી કોઇ સિસ્ટમ તૈયાર કરવી છે. 
અગાઉ સાતમી અૉક્ટોબર 2015ના થાણેના બીલ્ડર સુરજ પરમારે આત્મહત્યા કરી હતી ત્યારે પણ બીલ્ડર લોબીની મુશ્કેલીઓ ચર્ચાઇ હતી અને ડેવલપરોમાં એકતા જોવા મળી હતી. હવે ફરીથી વધુ એક ડેવલપરની આત્મહત્યાથી બીલ્ડર લોબી સ્તબ્ધ બની છે અને સમસ્યાના ઉકેલ માટે પ્રયાસો શરૂ થયા છે.
દરમિયાન માટુંગા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ભોઇતેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આત્મહત્યા કરનારા બીલ્ડર સાવલા આર્થિક નુકસાનીમાં હતા અને તેઓ ભયંકર માનસિક તણાવમાં હતા. અમે તેમના ઘરે તપાસ કરી તેમાં કોઇ સુસાઇડ નોટ નથી મળી. બુધવારે અમે આકસ્મિક મૃત્યુનો રિપોર્ટ નોંધ્યો હતો અને આ કેસની તપાસ ચાલી રહી છે.
બીલ્ડરોની આત્મહત્યાના કેસો 10  જુલાઇ,2019 : 56 વર્ષનાં મુકેશ સાવલાએ પોતાની માટુંગાની બિલ્ડિંગના 15માં માળેથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી 3 જાન્યુઆરી, 2019 : સંજોના બિલ્ડર્સના સ્થાપક 57 વર્ષના સંજય અગરવાલે ચેમ્બુરમાં પોતાની અૉફિસમાં લાયસન્સવાળી રિવોલ્વરથી જાતને ગોળી મારીને જીવન ટૂંકાવ્યું. 
9 મે, 2016 : નવી મુંબઈનાં 43 વર્ષનાં બીલ્ડર રાજ કાંધારીએ પોતાના 11માં માળના ફ્લેટમાં જાતે ગોળી મારીને આત્મહત્યા કરી.
17  જાન્યુઆરી, 2016 : મોહન ગ્રુપના અમર ભાટિયા અંબરનાથ નજીક ટ્રેનની અડફેટે મૃત્યુ પામ્યાનો કેસ નોંધાયો હતો.જોકે, બાદમાં બહાર આવ્યું હતું કે તેમણે આ ઘટના પહેલાં પોતાના પિતરાઇ અને કાકાને મોબાઇલ ફોન પરથી મેસેજ પાઠવ્યો હતો કે તેઓ આત્મહત્યા કરવા જઇ રહ્યા છે.
7 અૉક્ટોબર, 2015 : એમસીએચઆઇના થાણે યુનિટના પ્રમુખ સુરજ પરમારે થાણેમાં પોતાની એક કન્સ્ટ્રક્શન સાઇટની અૉફિસમાં જાતે ગોળી મારીને આત્મહત્યા કરી હતી.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer