હીરા ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિત

હીરા ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિત
કારખાનેદારોને ધીરજ રાખી કારીગરોને સાચવી લેવાની સલાહ
 
નિરાશાવાદી બનવાની જરૂર નથી, નબળો સમય પણ પસાર થઈ જશે : ગોવિંદભાઈ ધોળકિયા
ખ્યાતિ જોશી તરફથી
સુરત તા. 12 : વર્ષ 2008માં આવેલી વૈશ્વિક મંદી જેવી સ્થિતિ ફરી એક વખત હીરા ઉદ્યોગમાં નિર્માણ પામી છે, પરંતુ આ વખતની મંદી ડિમાન્ડ-સપ્લાઈની બગડેલી ચૅનલ કરતાં માનવસર્જિત વધુ છે. કારખાનેદારો પોતાની ગજા બહારની ઉધારીમાં કામકાજ કરતાં તેમ જ સ્થિતિ થોડા સમયમાં સુધરી જશે તેવી આશાએ પોલિશ્ડ હીરા બનાવ્યે જ રાખતાં કપરી સ્થિતિ નિર્માણ પામી છે તેમ હીરાઉદ્યોગના બે મોટા મોભી સેવંતીભાઈ શાહ અને ગોવિંદભાઈ ધોળકિયાએ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત હીરા ઉદ્યોગની પ્રવર્તમાન સ્થિતિને લઈને યોજાયેલા કાર્યક્રમમાં ટાંક્યું હતું. 
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદભાઈ ધોળકિયાએ હાલની સ્થિતિને લઈને ઉપસ્થિત કારખાનેદારોને કહ્યું હતું કે, આપણે આત્મનિરીક્ષણ કરવાનો સમય પાકી ગયો છે. તેજીમાં આપણે પાછું વળીને જોતાં નથી. તો મંદીમાંથી આપણે શીખવાનું છે. શીખવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ મંદી છે. વર્ષ 2008ની મંદીમાં આપણે ઘણું શીખ્યા છીએ અને હાલમાં જે પ્રકારના સંજોગો હીરા ઉદ્યોગમાં ઊભા થયા છે તે પાછળ એકથી વધુ કારણો જવાબદાર છે. આ માટે ધીરગંભીર બનીને પ્રશ્નોના ઉકેલ લાવવા જોઈએ. 
તેમણે ઉમેર્યુ હતું કે, કારીગરોને છુટ્ટા કરી કામકાજ બંધ રાખવું કોઈ વિકલ્પ નથી. આ માટે કારખાનેદારે કારીગરો સાથે વાતચીત કરી સપ્તાહમાં ઓછા કલાક કે એક દિવસની રજા કરીને પણ કામકાજ ચાલુ રાખી શકાય છે. આજે પણ ઉદ્યોગમાં એવા વિરલા બેઠા છે જેઓ ઘરની મૂડી રોકીને કારીગરોને સાચવી રાખવાની હિંમત ધરાવે છે. હીરાનો ધંધો એવો છે જેમાં કોઈ બહારથી નાણાં લાવ્યું નથી, પરંતુ નાણાં આપણે સમાજમાં ઠાલવ્યા છે. હીરાના ધંધાનાં નાણાં બીજા ધંધામાં લાગ્યાં છે. જે દર્શાવે છે કે હીરાનો ધંધો સતત વધ્યો છે. આ ધંધામાં આગળ પણ અનેક તકો છે. ચોક્કસ નબળો સમય આવ્યો છે. આ નબળો સમય પણ પસાર થઈ જશે.
વિનશ જ્વેલના ચેરમેન સેવંતીભાઈ શાહે કારખાનેદારોને કહ્યું હતું કે, બૅન્કો દ્વારા ફાઇનાન્સ મળતું નથી. બીજી કોઈ જગ્યાએથી નાણાં આવતાં નથી. આ તમામ બાબતો અમે જાણીએ છીએ. એક-બે વ્યક્તિનાં કારણે સમગ્ર હીરા ઉદ્યોગ માટે બૅન્કો કડક વલણ રાખે તે યોગ્ય પણ નથી. આ તમામ વાત સરકાર પણ સારી રીતે જાણે છે. તેમ જ અમે પણ સંગઠનો અને વ્યકિતગત રીતે સરકાર સુધી પહોંચાડી છે. સરકાર આ મામલે કોઈને કોઈ ઉકેલ લાવશે તેવી આશા છે. 
તેમણે ઉમેર્યુ હતું કે, કારખાનેદારો જે પ્રકારે લાંબી ઉધારીમાં કામ કરે છે તેનાં કારણે તેમની સ્થિતિ વધુ કપરી બની છે. એવામાં કારખાનેદાર મિત્રોએ સમજવાની જરૂર છે કે જેટલી પછેડી હોય તેટલી સોડ તાણવી જોઈએ. પાઈપલાઈનમાં તૈયાર હીરાનો મોટો સ્ટોક હોવાથી સ્થિતિ સુધરતા થોડો સમય લાગશે. આથી થોડો સમય રાહ જોવી જરૂરી છે. આ સમયગાળામાં કારીગરોને સાચવી લેવાની કુશળતા કારખાનેદારોમાં હોવી જોઈએ. કારીગરોને વિશ્વાસમાં લઈને તેઓ સાથે કઈ રીતે કામ પાડવું તે અત્યંત જરૂરી છે. 
કાર્યક્રમ દરમિયાન ચાલેલી પ્રશ્નોત્તરીમાં કારીગરોને કેવી રીતે સાચવી લેવા, રફ-પોલિશ્ડનાં ભાવ અને ટેન્ડરિંગ પ્રક્રિયા, ડિમાન્ડ-સપ્લાઈની ચેઈન, બૅન્કોનાં ધિરાણ સહિતના મુદ્દે ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતી, જીજેઈપીસીના ગુજરાત રિજનના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિતના ઉદ્યોગ સાહસિકોએ હીરાના કારખાનેદારોના સવાલોના સંતોષકારક જવાબ આપ્યા હતા.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer