રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થયા

રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થયા
એડીસી બૅન્ક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બૉન્ડ પર મળ્યા જામીન : અમિત ચાવડા 1પ હજારના બૉન્ડ માટે જામીનદાર

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12: અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક માનહાનિ કેસ મામલે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટાની મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. આ કેસ મામલે રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યુ ંહતું, ત્યારે ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સમક્ષ તેમની જુબાની લેવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને જજે મંજૂર રાખી હતી અને 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ બોન્ડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા. હવે આ કેસ મામલે વધુ સુનાવણી તા.7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. કોર્ટે રાહુલ ગાંધીને આગામી સુનાવણીમાં હાજર રહેવામાંથી મુક્તિ આપી છે.  દરમિયાન રાહુલ ગાંધીને જામીન મળ્યાના સમાચાર વહેતા થતા કોર્ટની બહાર મોટી સંખ્યામાં હાજર રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકોએ કોર્ટ પરિસરમાં રાહુલ ગાંધી ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. 
રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં નિવેદન આપતા કહ્યુ ંકે, સમન્સ ઇસ્યુ કરાયું છે એટલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા છે. જામીન લેવાની કોઇ જરૂર નથી. જ્યારે કાઉન્ટર રજુઆતમાં એડીસી બેકના વકીલે કહ્યું કે, રાહુલ ગાંધીને જામીન વિના છોડી ન શકાય કારણ કે તેમની સામે ક્રિમિનલ કેસ છે. જામીન માટે રજુઆત કરવી પડે, ભલે પછી જે પણ નિર્ણય કોર્ટ લે. 
કોર્ટે રાહુલ ગાંધીને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે દોષિત છો? તો રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે હું દોષિત નથી. કોર્ટે બીજા સવાલમાં પૂછ્યું કે, શું તમારા પર લાગેલા આરોપ સાચા છે, તમને ગુનો કબૂલ છે? રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા પર લગાવેલા તમામ આરોપોમાં હું નિર્દોષ છું. 
કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ અને લોકસભાની ચૂંટણી પરિણામ બાદ આજે પ્રથમ વખત રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને  3 વાગ્યે મેટ્રો કોર્ટ પહોંચી ગયા હતા પરંતુ કાર્યકરો અને સમર્થકોની ભીડના કારણે કોર્ટની કાર્યવાહી વહેલી શરૂ કરી શકાઇ ન હતી. મેટ્રો કોર્ટના છઠ્ઠા માળે 13 નંબરની કોર્ટમાં આ કેસ ચાલવાનો હોવાથી કોર્ટરૂમ કાર્યકરોથી ખીચોખીચ ભરાઇ ગયો હતો. સામાન્ય માણસથી માંડીને ત્યાંના તમામ વકીલો પણ રાહુલ ગાંધીની એક ઝલક જોવા માટે કોર્ટમાં ઉમટી પડતા આખરે કોર્ટરૂમનો દરવાજો બંધ કરવો પડયો હતો. કોર્ટ રૂમમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અહેમદ પટેલ, અમિત ચાવડા,પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ વિગેરે પહોંચ્યા હતા.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer