કચ્છી યુવાને સી-લિન્ક પરથી ઝંપલાવીને કરી આત્મહત્યા

કચ્છી યુવાને સી-લિન્ક પરથી ઝંપલાવીને કરી આત્મહત્યા
ભુજનો પાર્થ સોમાણી મુલુન્ડની હૉસ્ટેલમાં રહેતો હતો અને સીએની ફાઈનલ પરીક્ષાની તૈયારી કરતો હતો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : વરલી-બાંદ્રા સી-લિંક પરથી ટૅક્સીમાં સફર કરી રહેલા એક તરુણે ડ્રાઈવરને અચાનક ટૅક્સી અટકાવવાનું કહ્યું હતું અને પછી ટૅક્સીમાંથી ઊતરીને તેણે દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. દરિયામાં ઝંપલાવનાર યુવકનું નામ પાર્થ નરેન્દ્ર સોમાણી છે અને તે 23 વર્ષનો છે.
કચ્છી ભાષી પાર્થ નરેન્દ્ર સોમાણી મૂળ ભુજનો છે અને છેલ્લા બે વર્ષથી મુલુન્ડ ઇસ્ટમાં આવેલી તેની જ્ઞાતિની હોસ્ટેલમાં રહેતો હતો અને સીએની ફાઇનલ પરીક્ષાની તૈયારી કરતો હતો.
તે મૂળ કચ્છના લખપત તાલુકાના દયાપરના વતની અને હાલે ભુજ ખાતે રહેતા કચ્છી માહેશ્વરી સમાજનો છે.
દરમ્યાન અમારા લખપત તાલુકાના પ્રતિનિધિએ આપેલી પૂરક વિગતો અનુસાર છેલ્લા ઘણાં વર્ષોથી આ પરિવાર ભુજ સ્થાયી થયો છે. હાલે તેઓ ભુજમાં મુંદરા રિલોકેશન સાઇટ સ્થિત પ્રમુખ સ્વામીનગરમાં રહે છે. પાર્થનો પરિવાર મધ્યમવર્ગીય પરિવાર છે. તેના પિતા પ્લમ્બિંગનું કામ કરે છે. 
પાર્થ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં નોકરી કરતો હતો. શુક્રવારે બપોરે તેણે સવા વાગ્યાની આસપાસ વરલીથી બાંદ્રા જવા માટે ટૅક્સી કરી હતી.
મોડી રાત્રે પાર્થનો મૃતદેહ મળ્યો હતો. તે શોધવા માટે હેલિકૉપ્ટરની મદદ લેવામાં આવી હતી.
વરલી પોલીસે કહ્યું હતું પાર્થે સી-લિંક પર પૉલ નંબર બાવન પાસે ટેક્સી અટકાવવાનું ડ્રાઈવરને કહ્યું હતું અને પછી એ દરિયામાં કૂદી પડયો હતો.
સી-લિંકના સ્ટાફે ઘટનાની જાણ વરલી પોલીસને કરી હતી. પોલીસે ટેક્સી ડ્રાઈવરનું સ્ટેટમેન્ટ લીધું હતું. હેલિકોપ્ટર ઉપરાંત નૌકાદળના ડ્રાઈવરોની પણ મદદ લેવામાં આવી હતી.
પાર્થ સોમાણી મધ્ય મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મમાં નોકરી કરતો હતો.
સી-લિંક આત્મહત્યા કરવા માટેની ફેવરીટ જગ્યા બની ગઈ છે. 2009 બાદ તો આપઘાત કરનારાઓની સંખ્યા વધી છે. આપઘાત કરનારાઓ અમુક શ્રીમંત ઘરના અને વેપારીઓનો પણ એમા સમાવેશ છે. સાતથી વધુ બિઝનેસમેને સી-લિંક પરથી આપઘાત કર્યો છે. આમા રાજ ટ્રાવેલ્સના માલિકનો પણ સમાવેશ છે.
આ સી-લિંક 4.8 કિમી લાંબો છે અને ઉપરની બાજુ 65 અને નીચે 15 કેમેરા ગોઠવવામાં આવ્યા છે. એ ઉપરાંત આવી ઘટના ન બને એ માટે ત્યાં ત્રણ શિફ્ટમાં  દસ-દસ એમ કુલ ત્રીસ સિક્યોરિટી ગાર્ડસ પણ તહેનાત કરાયા છે.
સી-લિંક પર વાહનને રોકવાની મનાઈ છતાં ટેક્સી અટકાવી તથા પોતાના ખાનગી વાહન રોકી લોકો દરિયામાં ઝંપલાવતા હોય છે. આને લીધે જે વાહન સી-લિંક પર ઊભું રહે તેની પાસેથી દંડ વસૂલ કરવાનું સૂચન પણ ભૂતકાળમાં થયું હતું.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer