રેલવેના ખાનગીકરણનો કોઈ વિચાર જ નથી પીયૂષ ગોયલ

રેલવેના ખાનગીકરણનો કોઈ વિચાર જ નથી પીયૂષ ગોયલ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 12 : લોકસભાએ આજે વર્ષ 2019-20 માટેના રેલવે મંત્રાલયના અંકુશ હેઠળની ગ્રાન્ટ માટેની માગણીઓ પસાર કરી હતી.
`િડમાન્ડસ ફોર ગ્રાન્ટસ' પરની ચર્ચાનો જવાબ આપતાં રેલવેપ્રધાન પીયૂષ ગોયલે ગૃહને આજે એવી ખાતરી આપી હતી કે રેલવેનું ખાનગીકરણ નહીં થાય. રેલવેના ખાનગીકરણનો કોઈ સવાલ જ નથી. રેલવેનું ખાનગીકરણ થઈ શકે નહીં. જોકે, રેલવેની સગવડો વધારવા આપણે રોકાણની જરૂર પડશે. અમે રેલવેમાં જાહેર-ખાનગી ભાગીદારીઓને ઉત્તેજન આપવાનો નિર્ણય લીધો છે અને અમે કેટલાંક એકમોનું કૉર્પોરેટાઈઝેશન કરીશું, એમ રેલવેપ્રધાને જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે અગાઉ સંસદમાં રજૂ કરાતા રેલવે બજેટ લોકોને ગેરમાર્ગે દોરવતા હતા અને રાજકીય ફાયદાઓ માટે નવી ટ્રેનોનાં સપનાં બતાવવામાં આવતાં હતાં.
`પોતાના બાળપણમાં રેલવે સ્ટેશન પર ચા વેચતા એક ચા વિક્રેતાએ આ દેશને જોયો છે અને રેલવેનું મહત્ત્વ તેણે સમજ્યું છે,' એમ ગોયલે જણાવ્યું હતું.
નાણાકીય વર્ષ માટે રેલવે બજેટને મુખ્ય બજેટ સાથે જોડી દેવાનું પગલું ભૂલભર્યું હોવાની વિપક્ષની દલીલને ફગાવી દેતાં રેલવેપ્રધાને જણાવ્યું હતું કે આનાથી વિપરીત દેશે આ નિર્ણયની કદર કરી છે.
`રેલવે બજેટ રાજનીતિક' હતું. આવું બજેટ એટલે કે અલગ રેલવે બજેટ રાજકીય કારણોસર બહાર પાડવામાં આવતું હતું અને તે દેશને અને સાંસદોને ગેરમાર્ગે દોરવનારું હતું. ચૂંટણીઓ જીતવા માટે સેંકડો ટ્રેનોની જાહેરાતો કરવામાં આવતી હતી અને જે તે મતદાર વિસ્તારના લોકોને ખુશ કરવા માટે આમ કરવામાં આવતું હતું, એમ ગોયલે જણાવ્યું હતું.
પોતાના પ્રવચનમાં ગોયલે તેમના બે પુરોગામી સુરેશ પ્રભુ અને સદાનંદ ગોવડાની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે રેલવેને ફરીથી પાટા પર મૂકી હતી.
રેલવેને નવો સંકલ્પ આપવા માટે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યાં હતાં. વડા પ્રધાને અલગ રેલવે બજેટની પ્રથા દૂર કરી છે.
રેલવેપ્રધાને જણાવ્યું હતું કે રેલવે પ્રવાસીઓની સુરક્ષાને ઊંચી પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રવાસી સુરક્ષા માટે સરકારે આ વર્ષે રૂપિયા 5640 કરોડ ફાળવ્યા છે, જે 2009માં રૂપિયા 2100 કરોડ હતા.
રેલવેના સંચાલનમાં સુધારો કરવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલનો તેમણે બચાવ કર્યો હતો.
રાયબરેલી કોચ ફૅકટરી મુદ્દે ગોયલના કૉંગ્રેસ પર પ્રહાર
દરમિયાન રાયબરેલી મોર્ડન કોચ ફેકટરીના મુદ્દે રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કૉંગ્રેસના યુપીએના ચૅરપર્સન સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી 2014માં વડા પ્રધાન બન્યા ત્યાં સુધીમાં આ ફેકટરીએ એક પણ કોચનું ઉત્પાદન કર્યું નહોતું.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer