વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં દીપક અને રાહુલ ચહર તથા સૈનીને તક પાંડેની વાપસી

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં દીપક અને રાહુલ ચહર તથા સૈનીને તક પાંડેની વાપસી
કોહલી જ કૅપ્ટન : પંત વિકેટકીપર તરીકે સામેલ : દિનેશ કાર્તિકને પડતો મુકાયો

મુંબઈ, તા. 21 : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે રવિવારે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં ટી-20 અને વનડે શ્રેણી માટે ઋષભ પંત વિકેટ કિપર બનશે. જ્યારે કેપ્ટનશીપ વિરાટ કોહલી પાસે જ રહેશે. કોહલી અગાઉ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન આરામ કરે તેવી સંભાવના હતી. જો કે અંતિમ સમયે પોતે ટીમની પસંદગી માટે ઉપલબ્ધ હોવાનું કહ્યું હતું. બીજી તરફ ટેસ્ટ ટીમમાં રિદ્ધીમાન સહાને પંત સાથે એકસ્ટ્રા વિકેકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ એક દિવસ પહેલા ટીમ પસંદગી માટે ઉપલબ્ધ ન હોવાનું એલાન કરતા કોહલીએ આરામથી ઈનકાર કર્યો હતો. એમએસકે પ્રસાદની અધ્યક્ષતાની પાંચ સભ્યની સીનિયર પસંદગી સમિતિએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બેઠક બાદ ટીમનું એલાન કર્યું હતું. જેમાં કેપ્ટન વિરાટ કોહલીએ પણ ભાગ લીધો હતો. 
ટીમ પસંદગીમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઉપરાંત વનડે અને ટી20મા ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલઆઉન્ડર હાર્દિક પંડયાને આરામ આપવામાં આવ્યો છે.
આ તમામ ખેલાડી લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યા હતા. ટેસ્ટ ટીમમાં શિખર ધવનને સામેલ કરવામાં આવ્યો નથી. જ્યારે બુમરાહને ટેસ્ટમાં જગ્યા આપવામાં આવી છે. આ ઉપરાંત ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીને ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી. તેમજ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની પણ ટેસ્ટમાં વાપસી થઈ છે. 
શિખર ધવન ઈજા બાદ હવે સંપૂર્ણ ફિટ હોવાથી વનડે અને ટી20 માટે તેને પસંદ કરવામાં આવ્યો છે. હરિયાણાના ઝડપી બોલર નવદીપ સૈનીને વનડે અને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને રાહુલ ચહરને ટી20મા ડેબ્યૂનો મોકો મળ્યો છે. સાથે જ શીર્ષ ક્રમ બેટિંગમાં શ્રેયસ અય્યર અને મનીષ પાંડે પણ સીમિત ઓવર ફોર્મેટની ટીમમાં વાપસી કરી રહ્યા છે.  કુલદીપ અને ચહલની જોડી વનડેમાં યથાવત છે. જ્યારે ટી20થી ચહલને આરામ આપીને કૃણાલ પંડયાને તક મળી છે. 
વનડે ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત(વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી,  ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સૈની
ટી20 ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત(વિકેટકીપર), કૃણાલ પંડયા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની
ટેસ્ટ ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધીમાન સહા, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા,  કુલદીપ યાદવ, ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ
Published on: Mon, 22 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer