છ `આજા ફસ જા'' સ્કીમોમાં નાણાં ગુમાવનારાઓનાં રિફંડની પ્રક્રિયા ચાલુ

ઇઓડબ્લ્યુને મળેલા 15 કરોડ રૂપિયા વિતરિત કરાશે 

મુંબઈ, તા. 21 : પોલીસની ઇકોનોમિક અૉફેન્સિસ વિંગ (ઇઓડબ્લ્યુ)ના બૅન્ક એકાઉન્ટમાં લગભગ 15 કરોડ રૂપિયા જમા થયા છે, અધિકારીઓ હવે `આજા ફસ જા' જેવી છ સ્કીમોમાં છેતરપિંડીનો ભોગ બનેલાઓ દાવા નોંધાવીને જરૂરી પુરાવા આપીને આ રકમ પરત લઇ જાય એની રાહમાં છે. જોકે, તકલીફ એ છે કે આવી કેટલીક સ્કીમ તો બે દાયકા જૂની હોવાથી તેમાં છેતરાયેલા મોટા ભાગના લોકો કાં તો હયાત નહીં હોય, હાલમાં કેટલાંકનો અત્તોપત્તો નહીં હોય અથવા તો રિફંડ સ્કીમ સંબંધી કોઇ જાણકારી જ નહીં હોય, એમ એક અધિકારીએ કહ્યું હતું. 
છેલ્લાં બે વર્ષથી ઇઓડબ્લ્યુ આવી છ સ્કીમોમાં 460 કરોડ રૂપિયા ગુમાવનારા 32,000થી વધુ રોકાણકારોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધીમાં પચીસ ટકા જેટલા એટલે કે આવા 8446 રોકાણકારો પોલીસનો સંપર્ક કરીને કુલ સાડા આઠ કરોડ રૂપિયા જેટલી રકમ રિફંડ તરીકે લઇ ગયા છે. આની સામે પોલીસ પણ આવી સ્કીમોમાં ફસાયેલા કુલ 460 કરોડ રૂપિયા પરત નથી મેળવી શકી. જોકે, પોલીસ આરોપીઓની જપ્ત થયેલી સંપત્તિઓની લિલામી કરીને જે રકમ મળે તે પોતાના બૅન્ક એકાઉન્ટમાં જમા કરતી રહી છે. ઇઓડબ્લ્યુનું એક રિફંડ સેલ છે, જે હાલમાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. હાલમાં લોકોને નવડાવનારી જે છ સ્કીમોનાં રિફંડની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં સીયુ માર્કેટિંગ, ગ્રીન એગ્રો, કોંકણ પાર્ક, સિમેટાઇક ફાઇનાન્સ, મેડિકેર અને કોસ્મો પબ્લિસિટીનો સમાવેશ થાય છે.
Published on: Mon, 22 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer