એકનું મૃત્યુ, એક ઘાયલ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : કુલાબાના તાજ મહલ હોટેલ નજીકની ઇમારત `ચર્ચિલ ચેમ્બર'ના ત્રીજા માળમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક ઘાયલ થયો છે. અગ્નિશામક દળને આગ કાબૂમાં લાવવામાં સફળતા મળી છે. આગનું કારણ તત્કાળ જાણી શકાયું નથી.
54 વર્ષના શ્યામ અય્યર નામના ઇસમનું જીટી હૉસ્પિટલમાં ઉપચાર દરમિયાન મૃત્યુ થયું હતું. 14 રહેવાસીઓને સુખરૂપ બચાવી લેવાયા હતા. આમાં મોટા ભાગના સિનિયર સિટિઝન હતા. આગ મેરી વેધર રોડ પર બપોરે સવા બાર વાગ્યે લાગી હતી.
સ્ટેરકેસમાં ધુમાડો ફેલાતાં અને ભયંકર ગરમીને લીધે પંદર જણ ત્રીજા માળમાં અને અમુક લોકો માળિયામાં ફસાઈ ગયા હતા. આગ મુખ્યત્વે ત્રીજા માળમાં વીજળીના વાયર, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ફર્નિચર, ઘરગથ્થુ સામાનમાં લાગી હતી.
બચાવી લેવાયેલા પંદરમાંથી પાંચ (એક પુરુષ, એક મહિલા, એક છોકરો અને બે છોકરી)ની ગૂંગળામણની ફરિયાદ હતી. આ બધાને એન્ગ્સ લેડર અને ટર્ન ટેબલ લેડરથી બચાવી લેવાયા હતા. 50 વર્ષના યુસુફ પૂનાવાલાને બૉમ્બે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે શ્યામ અય્યર આગ બુઝાવવા જતાં જવાળાઓ વચ્ચે ફસાઈ ગયેલા હતા. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને બહાર કાઢીને જીટી હૉસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. એક બંબાવાળાને પણ ગૂંગળામણ થઈ હતી. તેનો પ્રાથમિક ઉપચાર કરાયો હતો.
આ મકાન જૂનું હોવાથી સ્ટેરકેસ સાંકડી હતી. જોકે, બારીમાં ગ્રીલ ન હોવાથી અગ્નિશામક દળના લોકો ઝડપથી મકાનમાં પ્રવેશી શક્યા હતા.
Published on: Mon, 22 Jul 2019
તાજ હોટેલની નજીકના મકાનમાં લાગી આગ
