અમેરિકા-ઈરાન તણાવથી શૅરબજારમાં વેચવાલીનું જોર યથાવત્

અમેરિકા-ઈરાન તણાવથી શૅરબજારમાં વેચવાલીનું જોર યથાવત્
નિફ્ટીએ 11350નું સ્તર ગુમાવ્યું :
એચડીએફસી ટ્વિન્સના નેજા હેઠળ વેચવાલી વધી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મધ્યપૂર્વમાં મુખ્યત્વે ઈરાન-અમેરિકા વચ્ચે ખેંચાયેલ યુદ્ધની તલવારે એશિયન બજારોમાં સતત નબળાઈ વધી ગઈ છે. ચીન-ભારત અને ઈરાન સાથેના તનાવથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અંગે અનિશ્ચિતતા વધવાથી સ્થાનિક બજારોમાં એફઆઈઆઈ અને સ્થાનિક સંસ્થાઓની વેચવાલી વધી હતી. જેથી એનએસઈમાં નિફ્ટી 11350ના મહત્ત્વના સ્તરની નીચે 73 પૉઇન્ટ ઘટાડે 11346.20ના લેવલે બંધ રહ્યો હતો. બીએસઈમાં સેન્સેક્ષ 306 પૉઇન્ટ ઘટીને 38031ના સ્તરે બંધ આવ્યો હતો. આમ છતાં નિફ્ટીના અગ્રણી 29 શૅર સટ્ટાકીય ટેકાથી સુધારે અને 21 શૅર ઘટાડે બંધ રહ્યા હતા. બીએસઈમાં મિડકેપ ઇન્ડેક્સ 84 અને સ્મોલકેપ ઇન્ડેક્સ 154 પૉઇન્ટ ઘટયો હતો. વ્યક્તિગત શૅરમાં યસ બૅન્ક ટ્રેડ દરમિયાન 9 ટકા વધ્યો હતો. અગ્રણી શૅરોમાં સટ્ટાકીય હેમરિંગે નિફ્ટી ઘટીને બંધ હતો.
આજે મુખ્ય ઘટાડામાં દબાણ ઊભું કરનાર એચડીએફસી બૅન્ક રૂા. 79 અને એચડીએફસી રૂા. 116 ઘટયા હતા. બજાજ ફિનસર્વ રૂા. 404, બજાજ ફાઇનાન્સમાં રૂા. 76નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઇન્ડસઇન્ડ અને કોટક બૅન્ક અનુક્રમે રૂા. 4 અને રૂા. 45 ઘટયા હતા. એસબીઆઈમાં રૂા. 5 અને હિન્દુસ્તાન લીવરમાં રૂા. 40નો ઘટાડો થવા સાથે આઈટીસીએ રૂા. 4 ઘટાડે વર્ષનું તળિયું તોડયું હતું.
આજના ટ્રેડમાં નિફ્ટીના ક્ષેત્રવાર ઇન્ડેક્સમાં બૅન્કેક્સ 1.66 ટકા, નાણાં સેવા 2.57 ટકા, એફએમસીજી 1 ટકા, રિયલ્ટી અને ખાનગી બૅન્કેક્સ 1.5 ટકા ઘટાડે હતા. મીડિયા અને મેટલ 1.75 ટકા અને ફાર્મામાં 1 ટકા સુધારો થયો હતો. વ્યક્તિગત શૅરોમાં કંપની ડાઉન ગ્રેડ થવાથી કોક્સ ઍન્ડ કિંગ્સનો શૅર પાંચ ટકા ઘટયો હતો. જ્યારે દેવાંના ભારણને લીધે આરબીએલ બૅન્ક વધુ પાંચ ટકા દબાણમાં હતો. એડલવિસ ફાઇનાન્સ 6 ટકા ઘટયો હતો જ્યારે કોક્સ ઍન્ડ કિંગ્સ સતત 19 દિવસ ઘટયા પછી આજે રૂા. 16.50ના તળિયે ગયો હતો.
આજના ઘટાડાની સામે પ્રવાહે મુખ્ય સુધરનાર શૅરોમાં મારુતિ રૂા. 143, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 32, એશિયન પેઇન્ટ રૂા. 35, સનફાર્મા રૂા. 9, ઇન્ડિયાબુલ્સ રૂા. 21, ટિસ્કો રૂા. 8, ટીસીએસ રૂા. 33, અલ્ટ્રાટેક રૂા. 61, ગ્રાસીમ રૂા. 13 અને ઝી રૂા. 11 વધ્યા હતા.
એનલિસ્ટોના અભિપ્રાય પ્રમાણે આજે નિફ્ટી 11400ની સપાટી પાર કરી શકયો નથી. જેથી હવે ઉપરમાં 11450 અને 11500 મુખ્ય પ્રતિકાર ઝોન ગણાય. નિફ્ટીમાં હવે વધઘટે 11300 અને 11250 મુખ્ય સપોર્ટ ગણાય. જે તૂટયા પછી બજારમાં વધુ નબળાઈ આવવાની શક્યતા છે.
સમગ્ર એશિયાનાં શૅરબજારોમાં નબળાઈ
ઈરાન સાથે અમેરિકા વચ્ચે વધતા રાજકીય તણાવે ગંભીર સ્વરૂપ લેવાના ભણકારાથી એશિયન બજારોમાં ગભરાટ ફેલાયો છે. જેથી આજનો ટ્રેડ પછી એમએસસીઆઈ બ્રોડેસ્ટ (એશિયા પેસિફિક) ઇન્ડેક્સમાં 0.4 ટકાનો નોંધપાત્ર ઘટાડો હતો. જપાનમાં નિફ્ટી 0.3 ટકા, ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 1.1 ટકા ઘટાડે હતા. હૉંગકૉંગમાં હેંગસેંગ 0.9 ટકા અને દક્ષિણ કોરિયામાં કોસ્પી મામૂલી ઘટાડે બંધ હતા.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer