યુનિયન બૅન્કે સુઝલોનને ડૂબવાપાત્ર લોનની શ્રેણી હેઠળ મૂકી

યુનિયન બૅન્કે સુઝલોનને ડૂબવાપાત્ર લોનની શ્રેણી હેઠળ મૂકી
અન્ય બૅન્કો પણ તેનું અનુસરણ કરે તેવી શક્યતા 
મુંબઇ તા. 22: વિન્ડ ટર્બાઇનનું ઉત્પાદન કરતી સુઝલોન એનર્જી લિમિટેડ કંપનીને સરકાર હસ્તક યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયાએ `બૅડ લોન'- (ડૂબવાપાત્ર લૉનની શ્રેણી હેઠળ)નું લેબલ લગાવ્યું છે અને અન્ય બૅન્કો પણ તેનું અનુસરણ કરે તેવી શક્યતા છે. કંપની ધિરાણકર્તા બૅન્કોને કરજ ચૂકવવામાં સતત નિષ્ફળ જતાં યુનિયન બૅન્કે આ નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ 
જણાવ્યું હતું.
સુઝલોન કંપની દ્વારા લોનની ચુકવણી 90 દિવસો કરતાં વધારે મોડી થવાથી કંપનીનું વર્ગીકરણ બૅડલોન હેઠળ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. યુનિયન બૅન્કે આરબીઆઇની સેન્ટ્રલ ડિપોઝિટરીમાં 30 જૂને પૂરા થયેલા ત્રિમાસિક માટે કંપનીઓ દ્વારા લેવામાં આવેલી મોટી રકમની લૉન વિશે માહિતી આપતાં સુઝલોનનું આ સ્ટેટસ મૂક્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 
યુનિયન બૅન્ક દ્વારા સુઝલોનને બૅડલોન હેઠળ મૂકવામાં આવતાં અન્ય બૅન્કો પણ તેનું અનુસરણ કરશે જેમણે સુઝલોનને લોન આપી છે. અત્યારે બૅન્કો ઉપર 9.49 લાખ કરોડની બેડ લોન્સનો બોજ છે તેમાં સુઝલોનનો ઉમેરો થશે.
યુનિયન બૅન્કે સુઝલોનને રૂા. 70 કરોડની લોન આપી છે અને તે અન્ય બૅન્કોની તુલનાએ નાનું કરજ છે પણ હવે મોટી રકમનું કરજ આપનાર બૅન્કોને પણ સુઝલોન ઉપર એનપીએનું લેબલ લગાવવાની ફરજ પડશે.
સામાન્યપણે લૉનની ચુકવણીના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે તેમાં ; સ્ટાન્ડર્ડ, સબસ્ટાન્ડર્ડ અને ડાઉટફુલ એમ ત્રણ શ્રેણીનો સમાવેશ થાય છે. 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer