આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે વિદેશ લઇ જવાતા હીરા - ઝવેરાત ઉપર આઇજીએસટી લાગુ નહીં પડે

આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે વિદેશ લઇ જવાતા હીરા - ઝવેરાત ઉપર આઇજીએસટી લાગુ નહીં પડે
જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગે હાશકારો અનુભવ્યો
મુંબઇ તા. 22: એક્ઝિબિશન હેતુથી વિદેશ લઇ જવાતા હીરા અને ઝવેરાત ઉપર આઇજીએસટી લાગુ નહીં થાય એવી જાહેરાત નાણા મંત્રાલયે કરતાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગે હાશકારો અનુભવ્યો છે. અત્યાર સુધી આ ક્ષેત્ર દ્વારા એક્ઝિબિશન હેતુ અથવા કન્સાઇન્મેન્ટ તરીકે વિદેશ લઇ જવાતા હીરા - ઝવેરાત ઉપર રિ - ઇમ્પોર્ટ તરીકે ગણના કરી આઇજીએસટી વસૂલ કરવામાં આવતો હતો.
પ્રદર્શન હેતુથી વિદેશ લઇ જવાતા હીરા ઝવેરાત ઉપરથી આઇજીએસટી નાબૂદ કરવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) અને અન્ય સંગઠનો દ્વારા કેન્દ્રના નાણા મંત્રાલય સાથે સતત રજૂઆત કરવામાં આવ્યા બાદ નાણાં મંત્રાલયે તેમની વાત સ્વીકારી છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે એક્ઝિબિશન માટે અથવા કન્સાઇન્મેન્ટ તરીકે નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી કોઇ પણ સામાન વિદેશ લઇ જવામાં આવતો હોય તો સીજીએસટી કાયદાની કલમ 7 હેઠળ તે કૃતિ `સપ્લાય' ગણી શકાય નહીં. જે આ કૃતિ સપ્લાય ગણાય નહીં તો તે આઇજીએસટી કાયદાની કલમ 16 હેઠળ `ઝીરો રેટેડ સપ્લાય' પણ ગણી શકાય નહીં, એવી સ્પષ્ટતા પણ કેન્દ્ર સરકારે કરી છે. 
આ સંદર્ભે જીજેઇપીસીના ચૅરમૅન પ્રમોદ કુમાર અગરવાલે કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આ નિર્ણય અત્યંત મહત્ત્વપૂર્ણ છે તેનાથી હીરા - ઝવેરાતની વૈશ્વિક કામગીરીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશને વેગ મળશે, આ પગલાંથી નિકાસકારોને મોટી રાહત મળશે, અમે સમગ્ર ઉદ્યોગ વતી સરકારનો આભાર માનીએ છીએ. 
નાણાં મંત્રાલય દ્વારા પણ આ પ્રકારની સ્પષ્ટતા કરતો સર્ક્યુલર ઇસ્યૂ કરવામાં આવ્યો હોવાનું જીજેઇપીસીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer