રામ ગોપાલ વર્માએ ટ્રાફિક નિયમ તોડી ટ્રાફિક પોલીસને ટ્વીટ કર્યું

રામ ગોપાલ વર્માએ ટ્રાફિક નિયમ તોડી ટ્રાફિક પોલીસને ટ્વીટ કર્યું
ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા જાતજાતના વિવાદોમાં સપડાયેલા જ રહેવા માગતા હોય એવું લાગે છે. હાલમાં તેઓ મોટરસાઇકલ પર ટ્રિપલસીટમાં બેઠા અને તેનો વિડિયો ટ્વીટર પર મૂકતાં પોલીસે તેમને દંડ ફટકાર્યો હતો. વર્મા હૈદરાબાદમાં તેલુગુ ફિલ્મ જોવા જતા હતા ત્યારે દિગ્દર્શક અજય ભૂપતિ અને અગતસ્ય સાથે મોટરસાઇકલ પર ટ્રીપલ સીટમાં બેઠા હતા. તેમણે આ પ્રવાસનો વિડિયો અને ફોટા અપલોડ કરવા સાથે ટ્વીટ કર્યું કે, પોલીસ કયાં છે? મને લાગે છે કે તેઓ પણ ફિલ્મ જોવા ગયા હશે.
હૈદરાબાદ પોલીસે તેમના ટ્વીટને જોયા બાદ રિટ્વીટ કર્યું કે, ટ્રાફિકના નિયમનો ભંગ કર્યાની અમને જાણ કર્યા બદલ તમારો આભાર. આ જ રીતે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરીને તમારી ફરજ નિભાવશો એવી અપેક્ષા રાખીએ છીએ. વળી પોલીસ માત્ર થિયેટરમાંજ  ફિલ્મો જોવા જતી નથી. તેમને રસ્તા પર પણ જાતજાતનાં નાટક અને ફિલ્મો જોવા મળે છે. બાદમાં તેમણે મોટરસાઇકલ જેમના નામ પર હતી તે બી. દિલીપકુમારને રૂા. 1335નું ટ્રાફિક ચલણ મોકલાવ્યું હતું.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer