દીપિકા પદુકોણે ચાહકોની સલાહ સ્વીકારી?

દીપિકા પદુકોણે ચાહકોની સલાહ સ્વીકારી?
ફિલ્મમેકર લવ રંજનની ઓફિસમાંથી દીપિકા પદુકોણ અને રણબીર કપૂરને બહાર નીકળતા જોયા બાદ ચાહકો સમજી ગયા કે લવની આગામી ફિલ્મમાં દીપિકા ભૂમિકા ભજવવાની છે. પરંતુ લવ પર મી ટૂ હેઠળ મહિલાના વિનયભંગનો આક્ષેપ હોવાથી ચાહકોએ દીપિકાને તેની ફિલ્મ ન કરવાની સલાહ આપી છે. આ માટે તેમણે ખાસ `હૅશટૅગ નોટ માય દીપિકા' શરૂ કર્યું છે. નોંધનીય છે કે લવની આગામી ફિલ્મમાં દીપિકા અને રણબીર સાથે અજય દેવગણ જોવા મળે એવી ચર્ચા સંભળાય છે. દીપિકાના ચાહકોનું કહેવું છે કે અભિનેત્રીએ મહિલાને માન ન આપતા હોય એવા દિગ્દર્શક સાથે કામ ન કરવું જોઇએ. રણબીરે લવની ફિલ્મ સાઇન કરી છે પરંતુ દીપિકાએ હજુ કરાર કર્યો નથી. બૉલીવૂડમાં દીપિકા એક એવી અભિનેત્રી છે જે હંમેશાં ચાહકોને માન આપતી આવી છે. તેણે ચાહકોને પોતાના હમદર્દ સમજીને પોતાના ડિપ્રેશનની વાત પણ જણાવી હતી તથા તે અંગે જાગૃતિ લાવવામાં તેમનો સાથ પણ માગ્યો હતો. ચાહકો નારાજ થાય એવું કશું જ દીપિકા કરશે નહીં. આથી જ તેની માર્કેટિંગ ટીમે જાહેર કર્યું છે કે દીપિકાએ હજુ લવની ફિલ્મ સ્વીકારી નથી. આનો અર્થ એ થયો કે દીપિકાએ ચાહકોની સલાહને સ્વીકારી ખરી.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer