ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ટુ મેલબર્નમાં `મંગલ મિશન''નું પ્રીમિયર

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ટુ મેલબર્નમાં `મંગલ મિશન''નું પ્રીમિયર
ભારતે ચંદ્રયાન-2 મિશનને સફળતાપૂર્વક પૂરું કરીને વૈશ્વિક સ્તરે એક નવા ઇતિહાસનું નિર્માણ કર્યું છે. બીજી તરફ ફિલ્મ મંગલ મિશન દ્વારા બૉલીવૂડના ઇતિહાસમાં પણ એક નવા પૃષ્ઠનો ઉમેરો થવા જઇ રહ્યો છે. 2014ના ભારતના મંગળ મિશન પર આધારિત ફિલ્મ મંગલ મિશન 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસે રજૂ થવાની છે. આ ફિલ્મમાં ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ની મહિલા વિજ્ઞાનીઓની યશગાથાને ફિલ્માવવામાં આવી છે. આથી ઓસ્ટ્રેલિયામાં 15મી ઓગસ્ટે શરૂ થનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં આ ફિલ્મનું પ્રીમિયર થશે. 
મંગળ મિશન એક સાયન્સ ફિકશન ફિલ્મ છે જેમાં મહિલા શક્તિ અને દેશપ્રેમનો સુંદર રીતે સમન્વય જોવા મળશે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે  વિદ્યા બાલન, તાપસી પન્નુ, ક્રીતિ કુલ્હારી, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન અને શર્મન જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં આ રીતે પ્રીમિયર થનારી પ્રથમ ભારતીય ફિલ્મનું સન્માન મંગલ મિશનને મળ્યું છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer