આજથી જાપાન ઓપન : સિંધુની નજર ખિતાબનો દુકાળ સમાપ્ત કરવા પર

આજથી જાપાન ઓપન : સિંધુની નજર ખિતાબનો દુકાળ સમાપ્ત કરવા પર
સાઇના અને શ્રીકાંતની પણ કસોટી
ટોકિયો, તા.22: ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ઇન્ડોનેશિયા ઓપનના ફાઇનલમાં મળેલી વધુ એક હાર બાદ મંગળવારથી શરૂ થઇ રહેલ જાપાન ઓપન બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર-7પ0 ટૂર્નામેન્ટમાં જીતના ઇરાદે ઉતરશે. તેનું લક્ષ્ય આ વર્ષે ખિતાબનો દુકાળ સમાપ્ત કરવો હશે. આ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં અનુભવી શટલર સાઇના નેહવાલની વાપસી થશે. જે ફિટનેસની સમસ્યાને લીધે ઇન્ડોનેશિયા ઓપનમાં ભાગ લઇ શકી ન હતી.
સિંધુ રવિવારે ઇન્ડોનેશિયા ઓપનના ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સામે હારની પાછલા સાત મહિનાથી ચાલ્યા આવતા ખિતાબના દુકાળને સમાપ્ત કરી શકી ન હતી. આ દુ:ખને તે જાપાન ઓપનમાં ભુલવા માંગશે. જ્યાં તેની પહેલી ટક્કર ચીનની ખેલાડી હાન યૂઈએ વિરૂધ્ધ થશે. પાંચમા ક્રમની સિંધુ યામાગુચી સામેની હારનો બદલો આ સ્પર્ધાના કવાર્ટર ફાઇનલમાં લઇ શકે છે. જ્યાં ફરી તેની ટક્કર જાપાનની આ ચોથા ક્રમની ખેલાડી સામે થઇ શકે છે. ટૂર્નામેન્ટમાં આઠમા ક્રમની સાઇના નેહવાલ એકમાત્ર એવી ભારતીય ખેલાડી છે જે આ સિઝનમાં એક ખિતાબ જીતી છે. તે પોતાના અભિયાનની શરૂઆત થાઇલેન્ડની બુસનાન ઓંગબુરુગાપન સામે કરશે. આ ખેલાડી સામે સાઇનાનો જીતનો રેકોર્ડ 3-1નો છે.
જાપાન ઓપનના પુરુષ વિભાગના પહેલા રાઉન્ડમાં જ ભારતના બે ખેલાડી કે. શ્રીકાંત અને એચએસ પ્રણોય આમને સામને હશે. ઇન્ટરનેશન સર્કિટમાં પ્રણોય સામે શ્રીકાંતનું પલડું ભારે છે. તે પાંચમાંથી ચાર મુકાબલા જીત્યો છે. જ્યારે સાઇ પ્રણિત પહેલા રાઉન્ડમાં જાપાની ખેલાડી કોંટા નિશિમોટા સામે ટકરાશે. સમીર વર્માનો સામનો ડેનમાર્કના અંદ્રેસ અંટોનસેન સામે થશે. આ ટૂર્નામેન્ટમાં ભારતની મહિલા અને પુરુષ ડબલ્સ જોડી પણ કોર્ટમાં ઉતરશે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer