પાક વીમા મુદ્દે ગુજરાત વિધાનસભામાં હોબાળો : ખેડૂતોને સાવ નજીવી રકમ નુકસાની તરીકે ચૂકવાતી હોવાનો વિપક્ષનો આરોપ

પાક વીમા પ્રીમિયમના બદલે કોપર્સ ફંડ ઊભું કરવા રાજ્ય સરકારની કેન્દ્રને દરખાસ્ત : મુખ્ય પ્રધાન રૂપાણી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 22 : ગુજરાત વિધાનસભામાં પાક વીમા યોજનાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. પ્રશ્નોતરીના પ્રથમ કલાક દરમિયાન ચર્ચામાં લેવાયેલા આ પ્રશ્ને લગભગ 55 મિનિટ સુધી ચર્ચા થઇ હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ઉપનેતા શૈલેષ પરમાર સહિત કૉંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યોએ આ ચર્ચામાં ભાગ લેતા એવો સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતો પાસેથી પાક વીમા યોજના હેઠળ કરોડોનું પ્રીમિયમ વસૂલાય  છે.  રાજ્ય, કેન્દ્ર સરકાર સહિત ખેડૂતો દ્વારા અબજો રૂપિયાનું પ્રીમિયમ ખાનગી વીમા કંપનીઓને ભરાય છે. જેની સામે ખાનગી વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને સાવ નજીવી રકમની નુકશાનીની ચુકવણી કરાય છે.
વિપક્ષના આવા આક્ષેપ સામે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એવી જાહેરાત કરી હતી કે, ખાનગી વીમા કંપનીઓ ક્રોપ કટિંગ પદ્ધતિ મુજબ ખેડૂતોના નુકશાનીના દાવાની ચુકવણી કરે છે. જેને લઇ ખેડૂતોને સંતોષ નથી. આ બાબત હાલ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ છે. ગુજરાત સરકારે પાક વીમાનું પ્રીમિયમ ભરવાને બદલે કોર્પસ ફંડ ઊંભુ કરીને ખેડૂતોને નુકશાનીના દાવાની ચુકવણી કરવા અંગેની દરખાસ્ત કરી છે. ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લેવાશે. 
મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, વડા પ્રધાન ફસલ પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે ત્યારે આ દેશના ઇતિહાસમાં ગુજરાતમાં 2600 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને તેમના પાક વીમા પેટે તેમના ખાતામાં જમા કરી છે.
રૂપાણીએ જણાવ્યું કે,  ગયા વર્ષે અનિયમિત ચોમાસુ હતું અને કેન્દ્રના દુષ્કાળના નિયમો મુજબ પાંચ ઇંચ વરસાદ સુધી સંબંધિત વિસ્તારો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે, પરંતુ આ સરકારે 14 ઇંચ વરસાદ થયો હોય તેવા વિસ્તારને વાસ્તવિક સ્થિતિ અને સંબંધિત વિસ્તારના ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ તેને પણ અછતગ્રસ્ત જાહેર કરી રાજ્ય સરકારે ઇનપુટ સબસીડીના લાભ અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને આપ્યો છે. આવા 15થી 17 લાખ ખેડૂતોને પાક વીમા ઉપરાંત ઇનપુટ સબસીડી ચૂકવી લાભ આપવામાં આવ્યો છે.
નોંધનીય બાબત એ છે કે, રાજ્ય, કેન્દ્ર સરકાર અને ખેડૂતો દ્વારા વડા પ્રધાન ફસલ પાક વીમા યોજના અંતર્ગત ખરીફ 2017-2018 અને રવિ ઉનાળુ-2017-2018 પેટે પાક વીમા પ્રીમિયમની રૂા. 6409 કરોડની રકમ ચૂકવી હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના 5600 કરોડ સહિત ખેડૂતો દ્વારા રૂા. 809 કરોડનો સમાવેશ થાય છે.  જે સામે પાક વીમા કંપની દ્વારા માત્ર રૂા.3104 કરોડના જ પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવાઇ છે. આમ વીમા કંપનીઓ દ્વારા આવી ફસલ પાક વીમા યોજના અંતર્ગત રૂા.3305 કરોડનો તગડો નફો કર્યો છે.
 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer