બેસ્ટના કર્મચારીઓની ફરી ધમકી
મુંબઈ, તા. 22 : ભાડા ઘટાડાયાના પગલે મુંબઈગરાઓ ફરીથી બેસ્ટની બસ સર્વિસ તરફ વળ્યા છે ત્યાં જ બેસ્ટના કર્મચારીઓએ પોતાની જૂની માગણીઓ સંતોષાઇ નથી એમ જણાવીને છ અૉગસ્ટથી હડતાળની ચીમકી આપી છે. બેસ્ટ કામદાર સંગઠન ઇબીઇએસટીએ આજે પાલિકા પ્રશાસનને કામદારોના પગારવધારા સંબંધી માગણી સંતોષવાની તાકીદ કરીને હડતાળની ચીમકી આપી છે. બેસ્ટ યુનિયને 16 મે, 2016ના બેસ્ટના મૅનેજર સાથેની બેઠકનો હવાલો આપીને આ બેઠકમાં આપેલાં વચનો પૂર્ણ નથી કરાયાં એમ જણાવ્યું છે.
બૉમ્બે હાઈ કોર્ટે વર્ષ 2007 બાદ બેસ્ટના કર્મચારીઓના પગાર વધારવાનો અને પહેલી જાન્યુઆરીથી તેનો અમલ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ એ આદેશની એકવાર અમલ બજવણી કરીને કોર્ટમાં નિષ્ફળતા (ખોટ)નો અહેવાલ સુપરત કરીને પગારવધારો ટાળવામાં આવ્યો હતો. બાદમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાના બહાને પગારવધારો ટાળવામાં આવ્યો એમ જણાવીને યુનિયને બેસ્ટ પ્રશાસનને હડતાળનો સંકેત આપ્યો છે.
Published on: Tue, 23 Jul 2019