માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં કેટલા સમયમાં પૂર્ણ થશે?

બે અઠવાડિયાંમાં એનઆઇએને જવાબ આપવા હાઇ કોર્ટનો આદેશ
મુંબઈ, તા.22 (પીટીઆઇ) : સપ્ટેમ્બર 2008ના માલેગાંવ બૉમ્બ વિસ્ફોટના કેસની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં ક્યારે પૂર્ણ થશે એનો અંદાજિત સમય જણાવવાનો આદેશ બૉમ્બે હાઇ કોર્ટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ને આપ્યો છે. આ કેસના એક આરોપી સમીર કુલકર્ણીએ ટ્રાયલ કોર્ટની સુનાવણીનું વીડિયો રેકોર્ડિંગ કરાવવાની અને છ મહિનામાં સુનાવણી પૂર્ણ કરાવવાનો આદેશ આપવાની માગણી કરતી અરજી કરી છે તેની સુનાવણી હાઇ કોર્ટના જજ રણજિત મોરે અને જજ ભારતી ડાંગરેની ખંડપીઠે કરી હતી.
કોર્ટે એનઆઇએના વકીલ સંદેશ પાટીલને આદેશ કર્યો હતો કે માલેગાંવ વિસ્ફોટ કેસની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં કેટલા સમયમાં અને કેવી રીતે પૂર્ણ કરાશે એનો જવાબ બે અઠવાડિયામાં આપો. પાટીલના જણાવ્યા પ્રમાણે આ કેસના કુલ 475 સાક્ષીઓમાંથી 124ના નિવેદનો અત્યાર સુધીમાં ટ્રાયલ કોર્ટમાં લેવાયા છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer