આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 22 : કૉંગ્રેસના સાંસદોએ ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી-વડરાની ધરપકડની સામે રાજ્યસભામાં અને સંસદના સંકુલમાં વિરોધ દર્શાવ્યો હતો અને પોતાના નેતાની પડખે રહ્યા હતા.
સોનભદ્રના ગોળીબારના બનાવમાં જાન ગુમાવનારા 10 લોકોના પરિવારજનોની મુલાકાત લેવા જઈ રહેલાં પ્રિયંકા ગાંધી- વડરાને અટકાવવા સામે વિરોધ દર્શાવવા તેમ જ કર્ણાટકની રાજકીય કટોકટી માટે કેન્દ્રને જવાબદાર ઠેરવવા કૉંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષોએ આજે રાજ્યસભામાં વારંવાર ગૃહની કાર્યવાહી ખોરવી દીધી હતી. જોકે, ભોજન બાદ રાજ્યસભાએ પ્રોટેક્શન અૉફ હ્યુમન રાઇટ્સ (એમેન્ડમેન્ટ) ખરડો 2019 ચર્ચા માટે હાથ પર લીધો હતો.
અગાઉ સવારના સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં કૉંગ્રેસના સાંસદોએ સોનભદ્રના ગોળીબારના બનાવમાં માર્યા ગયેલા 10 લોકોના પરિવારજનોની મુલાકાતે જઈ રહેલાં પ્રિયંકા ગાંધીને અટકાવવા બદલ ઉત્તર પ્રદેશ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા સમક્ષ ઊભા રહીને કૉંગ્રેસના સાંસદોએ ``સોનભદ્ર કે લોગોં કે સાથ ન્યાય કરો'' અને ``િપ્રયંકા ગાંધી હિરાસત મેં ક્યું, સરકાર જવાબ દો'' જેવા નારા પોકાર્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં હાજર રહેલા કૉંગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે `દલિતો પર હુમલા થઈ રહ્યા છે અને નિર્દોષ લોકો માર્યા જાય છે. આ બનાવની તપાસ કરીને માર્યા ગયેલાઓના પરિવારજનોને આશ્વાસન આપવા આ બનાવની તપાસ કરવાની રાજકીય પક્ષની જવાબદારી છે. પ્રિયંકા ગાંધી પોતાની ફરજ બજાવવા જઈ રહ્યાં હતાં. ત્યારે ક્યા કાયદાના આધારે યોગી આદિત્યનાથની સરકારે તેમની ધરપકડ કરી હતી? તેમને ક્યા આધારે જેલમાં મૂકવામાં આવ્યાં હતાં? આ અત્યંત શરમજનક કૃત્ય છે' એમ થરૂરે વધુમાં જણાવ્યું હતું.
રાજ્યસભામાં વિપક્ષના નેતા કૉંગ્રેસના ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે સોનભદ્રના બનાવમાં 10 લોકોની ઘાતકી હત્યા થઈ છે અને જ્યારે પ્રિયંકા ગાંધી-વડરા આશ્વાસન આપવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમની 24 કલાક માટે અટકાયત કરવામાં આવી હતી. `આ તો લોકશાહી વિરુદ્ધ છે અને આવું ચાલવું ન જોઈએ' એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
Published on: Tue, 23 Jul 2019