પ્રજાને `સબ કા સાથ, સબ કા વિકાસ અને વિશ્વાસ''નાં દર્શન થઈ રહ્યાં છે !

જાવડેકરે મોદી સરકારના 50 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 22 : કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે અત્રે એવો દાવો કર્યો હતો કે મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ 50 દિવસમાં દેશની જનતાને `સબ કા સાથ સબ કા વિકાસ અને વિશ્વાસ'નાં દર્શન થઈ રહ્યાં છે.
આજે અત્રે મોદી સરકારના પ્રથમ 50 દિવસનાં કામકાજનું રિપોર્ટ કાર્ડ રજૂ કરતાં જાવડેકરે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે સરકાર મુખ્યત્વે ખેડૂતો, સૈનિકો, યુવાનો, શ્રમિકો, વેપારીઓ, પાડોશી દેશો સાથેના સંબંધો પર ધ્યાન આપવાની સાથેસાથે રોકાણ, આધારભૂત વિકાસ, ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહી અને સામાજિક ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે મોદીએ સત્તા સંભાળતાં જ `સબ કા સાથ સબ કા વિકાસ ઔર વિશ્વાસ' પર જોર આપ્યું હતું અને આ 50 દિવસમાં તેનાં દર્શન તમામ લોકોને થયાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે તમામ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવશે. ઘણા પાકોના લઘુતમ ટેકાના ભાવ બમણા કરવામાં આવ્યા છે. ખેડૂતો માટે 10,000 કિસાન ઉત્પાદક સંગઠન બનાવવામાં આવી રહ્યાં છે. શ્રમ કાયદામાં ફેરફાર કરવામાં આવતાં શ્રમ સુરક્ષાનો 40 કરોડ શ્રમિકોને લાભ મળશે. તેમણે જણાવ્યું હતું કે વેપારીઓને પ્રથમવાર પેન્શન આપવામાં આવી રહ્યું છે. જાહેર ક્ષેત્રની બૅન્કોની મૂડી વધારવા 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અમે ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા જઈ રહ્યા છીએ. સ્ટાર્ટ અપ ઉદ્યોગો માટે ટૂંકમાં અલગ ટીવી ચેનલ શરૂ કરવામાં આવશે.
જાવડેકરે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે મોટી રકમનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી ઘટનાઓમાં ઘટાડો કરાવવામાં સરકારને સફળતા મળી છે.
 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer